રિવરફ્રંટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે પીએમ મોદીએ શરુ કરાવેલી સીપ્લેન સર્વિસ લાંબા બ્રેક બાદ આવતીકાલથી ફરી શરુ થવા જઈ રહી છે.
મેઈન્ટેનન્સ માટે માલદિવ્સ ગયેલા સીપ્લેન આજે સાંજે ગુજરાત આવી પહોંચ્યા છે, જેમાં એક એરક્રાફ્ટનું સાબરમતી નદીમાં લેન્ડિંગ થયું હતું.
ઉલ્લેખનીય છે કે, પીએમે શરુ કરાવ્યાના થોડા જ દિવસમાં ડચકા ખાતી થઈ ગયેલી સીપ્લેન સેવા લાંબા સમય માટે બંધ થઈ જતાં તેના પર અનેક સવાલ ઉઠી રહ્યા હતા. સીપ્લેનની સર્વિસ ચાલ્યા બાદ બંને એરક્રાફ્ટને મેઈન્ટેનન્સ માટે માલદિવ્સ મોકલવામાં આવ્યા હતા. રિવરફ્રંટ કે પછી કેવડિયામાં તેની સવલત ના હોવાના કારણે પ્લેનને માલદિવ્સ મોકલવા જરુરી હતા. જોકે, 50 દિવસના ગાળામાં માંડ 24 દિવસ ચાલેલી સીપ્લેન સર્વિસનું બુકિંગ 20 ડિસેમ્બરથી ફરી શરુ થશે તેવી જાહેરાત બાદ પણ તેના કોઈ ઠેકાણા ના પડતા સીપ્લેન ફરી શરુ થશે કે કેમ તેવી ચર્ચા શરુ થઈ હતી.