રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરીણામ જાહેર કર્યા બાદ પાટણ યુનિવર્સિટી સંલગ્ન બીએસસી કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયાનો ધમધમાટ શરુ કરવાની ગતિવિધીઓ તેજ કરવામાં આવી છે. પાટણ યુનિવર્સિટી સંલગ્ન પાંચ જિલ્લાની બીએસસી કોલેજો પૈકી 13 સરકારી અને અન્ય સરકારી અનુદાનિત બીએસસી કોલેજોના પ્રથમ વર્ષમાં વિધાર્થીઓને પ્રવેશ આપવા માટે 3 હજાર બેઠકો ફાળવવામાં આવી છે. જ્યારે 52જેટલી બીએસસી સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં વિધાર્થીઓના પ્રવેશ માટે 7200 બેઠકોની ફાળવણી કરવામાં આવી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરીણામ જાહેર કર્યા બાદ યુનિવર્સિટી સંલગ્ન બીએસસી કોલેજોમાં પ્રવેશ મેળવવા માંગતા વિધાર્થીઓ માટે યુનિવર્સિટી દ્વારા સરકારી અને અનુદાનિત બીએસસી કોલેજોમાં બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. જૂન માસના નવા શૈક્ષણિક સત્રથી સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં એડમીશનની પ્રક્રિયા શરુ કરવામાં આવશે.
આ ઉપરાંત સેલ્ફ ફાયનાન્સ બીએસસી કોલેજોમાં ફાળવવામાં આવેલ 7200 બેઠકો પર એડમીશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે, પાટણ યુનિવર્સિટી સંલગ્ન બીએસસી સરકારી, ગ્રાન્ટેડ અને સેલ્ફાયનાન્સ કોલેજોમાં ફાળવાયેલ કુલ 10200 બેઠકોમાં પ્રવેશ ફોર્મની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ યુનિવર્સિટીની વેબસાઇટ પર મેરીટલીસ્ટ જાહેર થયા બાદ પ્રવેશ પ્રક્રિયા શરુ કરવામાં આવશે