કોરોના વાયરસ રોગચાળાને લઈને ભારત સહિત દુનિયાના અનેક દેશો ત્રસ્ત છે. આ મહામારીનો ખાતમો કરવા માટે ઘણી કંપનીઓ દ્વારા વેક્સિન પર કામ ચાલી રહ્યુ છે તો કેટલીક કંપનીએ વેક્સિન તૈયાર પણ કરી લીધી છે. જેની ઈમરજન્સી ઉપયોગની મંજૂરી પણ મળી ગઈ છે. ભારતમાં પણ ત્રણ કંપનીઓની વેક્સિન હવે તેના અંતિમ તબક્કાના ટ્રાયલમાં છે. ત્યારે ભારતમાં અંદાજે ૪૪ ટકા ગ્રામીણ ભારતીયો કોરોના રસીની કિંમત ચૂકવવા તૈયાર છે જ્યારે દેશના ગામડાઓની અડધાથી વધુ વસતીનું માનવું છે કે કોરોના કટોકટી ચીનનું કાવતરું છે.
એક સર્વેના પરિણામમાં આ અંગેની માહિતી સામે આવી છે. ભારતની સ્વયંસેવી સંસ્થા ગાંવ કનેક્શન દ્વારા આ સર્વે હાથ ધરાયો હતો જેમાં દેશના 16 રાજ્ય અને એક કેન્દ્રશાસિત રાજ્યના 60 જિલ્લામાંથી 6,040 ગામડાઓએ ભાગ લીધો હતો.
આ સર્વેમાં ભાગ લેનારાઓમાંથી ૩૪ ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ કોરોના રસી માટે નાણાં ચૂકવવા માગતા નથી. બાકીના ૨૦ ટકાએ કહ્યું હતું કે રસી માટે નાણાં ચૂકવવા કે નહીં તે અંગે હજી તેમણે કોઈ નિર્ણય કર્યો નથી. કોરોના રસીની કિંમત ચૂકવવા તૈયાર ગ્રામીણોમાંથી બે તૃતિયાંશનું કહેવું છે કે કોરોનાની રસી જ્યારે પણ ઉપલબ્ધ થશે ત્યારે તેઓ રસીના બે ડોઝ માટે રૂ. ૫૦૦ સુધીની કિંમત ચૂકવી શકે છે. દરમિયાન ૫૧ ટકા ગ્રામીણોએ જણાવ્યું કે કોરોના વાઈરસ ચીનનું કાવતરું છે અને ૧૮ ટકાનું કહેવું છે કે તે ચીનની સરકારની નિષ્ફળતા છે.તો સર્વેમાં સામેલ 20 ટકા લોકોનું કહેવુ છે કે તેઓ તેને એક્ટ ઓફ ગોડ માને છે. મહત્વનું છે કે, આ સર્વે 1 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર વચ્ચે હાથ ધરાયો હતો.