ડીસા તાલુકાના કુચાવાડાથી લાખણાસર ગામ વચ્ચે સોમવારે બપોરના સમયે ટ્રેલર અને પેસેન્જર જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા. જ્યારે બે લોકોનું સારવાર દરમિયાન મોત થયું છે. અકસ્માતના બનાવમાં કુલ પાંચ લોકોના મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ તમામના મૃતદેહોને પીએમ માટે ડિસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને ડીસા તાલુકા પોલીસે ટ્રેલર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૃત્યુ પામનારમાં પવિબેન હરિભાઈ સુથાર, જગશીભાઈ રુડાભાઈ માજીરાણા, વાઘીબેન જગશીભાઈ માજીરાણા, કાનૂબેન દિનેશભાઇ પટેલ, કાનુભા માલસિંગ સોલંકીણો સમાવેશ થયેલ છે. એમ પણ ગુજરાતમાં દિવસેને દિવસે અકસ્માતમાં મોતના કિસ્સાઓ વધી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ રાજ્યમાં દરરોજ વાહન અકસ્માતમાં આશરે 22 લોકોના મૃત્યુ થાય છે. જ્યારે રોજ 52 જેટલા અકસ્માત થાય છે. જેમાં રોજ 22 લોકોના મૃત્યુ થયા હોવાનો રાજ્ય સરકાર દ્વારા જ સ્વિકાર કરવામાં આવ્યો છે. દિન પ્રતિદિન રાજ્યમાં માર્ગ અકસ્માતોમાં સતત વધારો થઇ રહ્યો છે.