ચૂંટણીના સમયે વિવિધ પક્ષોના કાર્યકરો અને ઉમેદવાર વચ્ચે પક્ષાંતર ચાલતું રહે છે ત્યારે નાંદોદ અને ડેડિયાપાડામાં AAPના 3000થી વધુ કાર્યકર્તા ભાજપમાં જોડાઈ ગયા હતા. સાગબારાના ટાવલ ગામે ભાજપની જાહેર સભામાં આપ ના કાર્યકરો અને જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ અને જિલ્લા મહામંત્રી નિલ રાવ ની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.
આ દરમિયાન આપ પાર્ટીના એસટી સેલ ના પૂર્વ જોઇન્ટ જોઈન્ટ સેક્રેટરી ડૉ. કિરણ વસાવાએ જણાવ્યું હતું કે મારી સાથે 10 થી વધુ આપ ના હોદ્દેદારોએ AAPના તમામ હોદ્દાઓ પરથી રાજીનામાં આપ્યા છે અને મારી સાથે 10,000 થી વધુ કાર્યકર્તાઓ એ રાજીનામાં આપ્યા છે અને અમે હજારોની સંખ્યામાં સંગઠનના સભ્યો સહિત ભાજપમાં જોડાયા છે એનું કારણ એટલું જ છે કે AAP ને ઉભી કરવાવાળા જ અમે છીએ અને અમને પૂછ્યા વિના તથા વિશ્વાસમાં લીધા વિના પ્રદેશના હોદ્દેદારો મનમાની કરે છે.
ભાજપમાં જોડાતા જ આપના કાર્યકર્તાઓએ બળાપા વ્યક્ત કરતા કહ્યું હતું કે આપ દ્વારા જેટલા પણ હોદ્દાઓ નિમવામાં આવ્યા છે તે હોદ્દેદારોને માત્ર કાગળ પર નિમવામાં આવ્યા છે ત્યારે આવા કાગળ ઉપરના હોદ્દાઓનો કોઈ અર્થ રહેતો નથી. આવા હોદ્દાનો શું કરવાનો? વળી આમ આદમી પાર્ટી એમ કહે છે કે અમે ભ્રષ્ટાચાર વિરોધી કામ કરીએ છે પણ તેમને ઉમેદવારો પણ પૈસાના જોરે મૂક્યા છે જેઓ થોડા દિવસ પહેલા જ આપ માં જોડાયા છે તેવાને ટિકિટ આપી છે ત્યારે અમે ભાજપમાં એટલે જોડાયા છીએ કેમ કે ભાજપ પાયાના કાર્યકરોની કદર કરે છે અને યોગ્ય સ્થાન આપે છે.
આ વખતે ડેડીયાપાડા બેઠક પરથી ભાજપે હિતેશ દેવજી વસાવાને ટિકિટ આપી હતી તેમજ કોંગ્રેસે જેરમાબેન સુખલાલ વસાવાને ટિકિટ આપી હતી અને આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને ટિકિટ આપી મેદાન પર ઉતાર્યા હતા. BTPએ બહાદુરસિંહ વસાવાને ટિકિટ આપી છે, જો આપણે ડેડીયાપાડાના મતદારો વિશે વાત કરીએ તો અહીં કુલ પુરુષ મતદારો 109180 છે, સ્ત્રી મતદારો 109692 છે તેમજ અન્ય મતદારો 1 છે. નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા આદિવાસી વિસ્તાર છે. આ આદિવાસી વિસ્તારમાંથી વિધાનસભા, લોકસભા કે પછી ગ્રામપંચાયતની ચૂંટણી હોય ગુજરાતમાં સૌથી વધુ મતદાન આ વિસ્તારમાંથી થતું હોય છે.