આમ આદમી પાર્ટી (AAP)ના બીજા સૌથી મોટા નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને દિલ્હી હાઈકોર્ટમાંથી વચગાળાની રાહત મળી છે. દારૂ કૌભાંડના આરોપી મનીષ સિસોદિયાને તેની બીમાર પત્નીને મળવા ઘરે જવાની મંજૂરી આપવામાં આવી છે. તિહાર જેલમાં બંધ સિસોદિયા 3 જૂને સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ઘરે રહીને પત્ની અને પરિવારને મળી શકશે. જો કે આ સમય દરમિયાન તે કસ્ટડીમાં રહેશે.
મનીષ સિસોદિયાની વચગાળાની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે દિલ્હી હાઈકોર્ટે શનિવાર સુધી સિસોદિયાની પત્નીનો મેડિકલ રેકોર્ડ પણ માંગ્યો છે. સિસોદિયાની પત્ની ‘મલ્ટીપલ સ્ક્લેરોસિસ’ નામની બીમારીથી પીડિત છે. 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરાયેલા સિસોદિયા પરિવારના સભ્યો સિવાય ઘરે કોઈને મળી શકશે નહીં. તે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશે નહીં અને મીડિયા સાથે વાતચીત કરી શકશે નહીં.