કૃષિ કાયદાના વિરુદ્વમાં દિલ્હી બોર્ડર ખેડૂતોનું આંદોલન આંદોલનમાં ગુજરાતના ખેડૂતો પણ સક્રિય થયા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પાર્ટી આમ આદમી દ્વારા આજે દેશભરના વિવિધ ભાગોમાં પ્રતિક ઉપવાસ કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા ઠેર ઠેર ઉપવાસ આંદોલન શરુ કરવામાં આવ્યુ છે. સુરત, અમદાવાદ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વહેલી સવારથી પ્રતિક ઉપવાસ શરુ કરવામાં આવ્યા હતા.
આ પ્રતિક ઉપવાસ આંદોલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો પણ જોડાયા છે. તો બીજીબાજુ સુરતના 10 આગેવાનો દિલ્હી જવા રવાના થયા છે.
આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદના વિવિધ વિસ્તારમાં પાર્ટી કાર્યાલય બહાર કાર્યકર્તાઓ દ્વારા પ્રતિક ઉપવાસ શરુ કરવામાં આવ્યા હતા.
જેમાં શહેરના સાબરમતી વોર્ડ નંબર 4 આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે પ્રમુખ અનિલભાઈ ચૌધરી, ઉપપ્રમુખ જયેશભાઈ ઠાકોર, મહામંત્રી રણજીત મકવાણા, કાર્યકર્તા પ્રકાશ ડાભી અને રમેશ મકવાણાએ પ્રતિક ઉપવાસ શરુ કર્યા હતા.
આ ઉપરાંત સુરતમાં પણ પાર્ટી કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ દ્વારા પ્રતિક ઉપવાસ શરુ કરવામાં આવ્યા હતા. સુરત વોર્ડ નંબર 5ના મહિલા પ્રમુખ નિરાલી પટેલ દેસાઈ, શોભના વાઘાણી સહિતની મહિલા કાર્યકર્તાઓ પણ આ પ્રતિક ઉપવાસમાં જોડાઈ હતી. મહત્વનું છે કે, કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ખેડૂત આંદોલનનો 19 થઈ ગયા છે અને ખેડૂતો દ્વારા હવે ઉપવાસ આંદોલન શરુ કરાયુ છે. ખેડૂત આંદોલન સાથે જોડાયેલા આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો પણ હવે ઉપવાસ આંદોલનમાં જોડાયા છે. ગુજરાતના પણ ખેડૂતો દિલ્હીમાં ચાલી રહેલ આંદોલનના સમર્થનમાં જોડાયા છે જેથી ગુજરાતમાંથી પણ વિરોધના સૂર વધુ ઘેરા બની રહ્યા છે.