ખેડૂત વિરોધી મોદી સરકાર દ્વારા પ્રસ્થાપિત સંસદિય પ્રણાલીનો ભંગ કરીને મૌખિક મતદાન દ્વારા ઉતાવળે ચર્ચા વગર પસાર કરવામાં આવેલા કૃષિ સંબંધિત ત્રણ કાળા કાયદાઓ તત્કાળ પરત ખેંચી રદ કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા વિરોધ પ્રદર્શન સાથે રેલી યોજવામાં આવી હતી.
જેમાં આમ આદમી પાર્ટીના 2 હજારથી વધુ કાર્યકરો રાજ્યના વિવિધ ભાગોમાં રેલી યોજી વિરોધ નોંધાવામાં આવ્યો હતો. કિશોરભાઈ દેસાઈ (પ્રદેશ પ્રમુખ, ગુજરાત) અને ગોપાલ ઇટાલિયા (ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ) , ભેમાભાઈ ચૌધરી (વરિષ્ઠ ઉપપ્રમુખ, ગુજરાત) , રમેશભાઈ નાભાણી (સંગઠનમંત્રી, ગુજરાત) અને અમજદખાન પઠાણ (અમદાવાદ પ્રમુખ)ની આગેવાનીમાં અમદાવાદ, ખેડા, ગાંધીનગર, જીલ્લાના કાર્યકરો દ્વારા ઘરણા યોજી વિરોઘ નોઘાવામાં આવ્યો હતો.
આ દરમિયાન મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ રેલીમાં ભાગ લીધો હતો અને હાથમાં બેનરો સાથે ભાજપ સરકાર વિરુધ્ધ સુત્રોચ્ચાર કરી ખેડૂત વિરોધી કાયદો રદ્દ કરવા ઉગ્ર માંગ કરી હતી.
મહત્વનું છે કે આવતીકાલે એટલે કે 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન જાહેર કરવામાં આવ્યુ છે. જેને આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા પણ ટેકો આપવામાં આવ્યો છે. તેમજ ગુજરાત આમ આદમી પાર્ટીના કેટલાક આગેવાનો અને કાર્યકરો દિલ્હી ખાતે ખેડૂતોના સમર્થનમાં આવી વિરોધમાં પણ જોડાયા છે.