એક સપ્તાહ બાદ રાજકોટ શહેરમાં આજે ફરી વીજ ચોરી ઝડપી લેવા PGVCL ની ટીમો ઉતારી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે, કોર્પોરેટ ઓફિસની સૂચના બાદ આજે સવારે 8 વાગ્યાથી રાજકોટ સીટી ડિવિઝન 2 હેઠળ 20થી વધુ વિસ્તારોમાં 42 ટીમોએ દરોડાનો દોર શરૂ કર્યો છે. જેમાં 11 KV ના 6 ફીડર નો સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજકોટ શહેરમાં આજે ફરી PGVCL અંદાજે 14 જેટલા પોલીસ સ્ટાફ, એસઆરપી જવાનો ટીમો સાથે ચેકીંગ શરૂ કરાયું છે. અધિકારી સૂત્રોના કહેવા મુજબ આજ રોજ 11 KV ના કુલ 6 ફીડર આવરી લેવામાં આવ્યા જેમાં ગેલેક્સી અર્બ , સોસાયટી અર્બન, લોહાનગર અર્બન, ગુરુકુલ અર્બન, નિર્મલા રોડ અર્બન અને ચંદ્રેશનગર અર્બન ફીડરનો સમાવેશ થાય છે. જે અંતર્ગત ચંદ્રેશનગર, લક્ષ્મીનગર, વૈશાલીનગર, તિરુપતિનગર, ઉદ્યોગનગર, કૃષ્ણનગર સહીત 20 થી વધુ સોસાયટીનો સમાવેશ થાય છે.
એક સપ્તાહ બાદ આજે ફરી સવારથી રાજકોટ શહેર ડિવિઝન 2 હેઠળ વિસ્તારોમાં વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 મહિનાથી PGVCL દ્વારા રાજકોટ શહેર સહીત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં PGVCL દ્વારા વીજ ચેકિંગની મહા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. અને છેલ્લા 3 મહિના દરમિયાન અધધ કરોડો રૂપિયાની વીજ ચોરી સૌરાષ્ટ્ર કચ્છમાંથી ઝડપી પાડવામાં આવી છે.