જુનાગઢના માળીયા હાટીનાના ખોરાશા ગામે ગૌસેવા યુવક મંડળ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી હતી. જેમાં ગાયોને લીલા ચારા સાથે કુતરાને લાડુનુ ભોજન પીરસવામાં આવ્યું હતું. મહત્વનુ છે કે, હાલ દેશભરમાં કોરોના વાયરસના કારણે લોકડાઉનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે.
ત્યારે અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગરીબ અને નિરાધાર લોકોને ભોજન પીરસી રહ્યા છે. ત્યારે ખોરાસા ગીર ગામે જીવદયા પ્રેમીઓની પ્રેરણાથી ગૌ સેવા યુવક મંડળ દ્વારા ગામની રેઢિયાળ ગાયો માટે લીલો ધાસ ચારો રોજેરોજ નાખવામાં આવી રહ્યો છે.
તેમજ જીવમાત્ર સુખી હોય ત્યાં શીવની કૃપા વરસે તેવી શ્રધ્ધા સાથે ગાયોને લીલા ધાસચારા સાથે ગામના તમામ કૂતરાઓને પણ પેટભર ભોજન મળી રહે તેવા હેતુથી લાડવા અને પુરીનુ ભોજન આપી રહ્યા છે.
જીવદયા કાર્યમાં ગામના સર્વે સમાજના લોકોના આર્થિક સહયોગથી આ સેવા યજ્ઞ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ સરાહનિય કામગીરીની નોંધ લઈ ગામના સરપંચ અનિલ લાડાણી અને સ્ટેટ લેબર ફેડરેશનના ચેરમેન ચંદુભાઇ મકવાણા પણ યુવાનોને પ્રોત્સાહિત કરતા રહે છે. આ સમગ્ર સેવાયજ્ઞ જતીન કમાણીની દેખરેખ હેઠળ ચાલી રહ્યું છે. આ સેવાયજ્ઞમા ગામના યુવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.