પોતાની વિસ્તારવાદી નીતિ અને કોરોના મહામારીના કારણે અલગ થલગ પડી ગયેલ ચીન પોતાના પરમાણુ હથિયારોને જથ્થો વધારવામાં લાગ્યું છે. આ અંગેનો ચોંકાવનારો ખુલાસો પેંટાગનના રિપોર્ટમાં થયો છે. પેંટાગને જાહેર કરેલ એક રીપોર્ટમાં દાવો કર્યો છે કે ચીને 10 વર્ષમાં પરમાણુ હથિયારોનો જથ્થો બેગણો કરવા અને એવી બેલેસ્ટિક મિસાઈલ તૈયાર કરવાની યોજના બનાવી છે જેની પહોંચ અમેરિકા સુધી હોય.
જોકે, ચીન દ્વારા પરમાણુ હથિયારનો જથ્થો વધારવામાં આવ્યા બાદ પણ તેની પરમાણુ શક્તિ અમેરિકાના મુકાબલે ઘણી પાછળ રહેશે. પેંટાગનના રિપોર્ટમાં જણાવ્યા મુજબ, ચીન આ દાયકાના અંત સુધીમાં પોતાના પરમાણુ વોરહેડને બમણા કરવાના પ્રયત્નોમા લાગ્યુ છે. આ વોરહેડ જમીનની સાથે સાથે સમુદ્ર અને હવામાં બેલેસ્ટિક મિસાઈલો લોન્ચ કરવામાં સક્ષમ છે.
રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પીપલ્સ લિબરેશન આર્મી સંયુક્ત સૈન્ય અભિયાનો ઉપર પણ ધ્યાન આપી રહી છે જેથી કરીને તાઈવાન તરફથી અમેરિકી સેનાની કોઈપણ કાર્યવાહીનો જવાબ આપી શકાય.
પેંટાગનના આ રીપોર્ટે અમેરિકાની સાથે સાથે ભારતની પણ ચિંતા વધારી છે. કારણકે ચીની સૈનિકો છેલ્લા કેટલાક સમયથી એલએસી પર ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગલવાન ઘાટી પર ભારતીય સેના સાથેની અથડામણ બાદથી બન્ને દેશોની સેના વચ્ચે પણ તણાવમાં વધારો થયો છે. ત્યારે પેંટાગનના આ અહેવાલ બાદ અમેરિકાની સાથે સાથે ભારતની પણ ચિંતા વધી છે.