તિરુવનંતપુરમના વિહિંજમમાં નોરોવાયરસનો નવો ચેપ સામે આવ્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે જે જગ્યાએ બાળકોમાં સંક્રમણ જોવા મળ્યું છે તેના સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. રોગચાળો ન ફેલાય તે માટે વ્યવસ્થાઓ શરૂ કરી દેવામાં આવી છે. નિમ્ન પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓમાં આ ચેપ જોવા મળ્યો છે.ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, આરોગ્ય વિભાગના અધિકારીઓનું કહેવું છે કે પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે શાળાઓમાં વિતરણ કરવામાં આવતું મધ્યાહન ભોજન ખાધા બાદ વિદ્યાર્થીઓમાં ફૂડ પોઈઝનિંગ થયું છે. રાજ્યના આરોગ્ય વિભાગ અને સામાન્ય શિક્ષણ અને નાગરિક પુરવઠા વિભાગે રવિવારે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી અને આ રોગના ફેલાવાને રોકવા માટેના પગલાંની જાહેરાત કરી હતી.
જેમાં મધ્યાહન ભોજન બનાવતી વખતે સ્વચ્છતાની ખાસ કાળજી લેવી, પાણીની ટાંકીઓ સાફ કરવી અને સ્ટાફને જાગૃત કરવાનો સમાવેશ થાય છે.નોરોવાયરસ સામાન્ય રીતે દૂષિત પાણી, દૂષિત ખોરાક અને ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્ક દ્વારા ફેલાય છે. તેના પ્રારંભિક લક્ષણો ઉલ્ટી અને ઝાડા છે, જે વાયરસના સંપર્કમાં આવ્યાના એક કે બે દિવસ પછી શરૂ થાય છે. દર્દીને ઉલ્ટી જેવું લાગે છે અને પેટમાં દુખાવો, તાવ, માથાનો દુખાવો અને શરીરમાં દુખાવો થાય છે. આ વાયરસ વ્યક્તિને વારંવાર તેનો શિકાર બનાવી શકે છે કારણ કે તેના ઘણા પ્રકારો છે. જંતુનાશકો પણ આ વાયરસ પર કામ કરતા નથી અને તે 60 ડિગ્રી તાપમાનમાં પણ જીવી શકે છે. મતલબ કે પાણી ઉકાળીને અથવા ક્લોરિન ઉમેરીને આ વાયરસને મારી શકાતો નથી. હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવા છતાં આ વાયરસ જીવિત રહી શકે છે.