પાકિસ્તાનના પંજાબ પ્રાંતના નરોવાલ જિલ્લામાં આવેલા કરતારપુર સ્થિત ગુરુદ્વારા દરબાર સાહિબનો અંકુશ પાકિસ્તાન સરકારે પોતાને હસ્તક કરી લીધો છે. પાકિસ્તાન સરકાર તરફથી ગુરુદ્વારાની સારસંભાળ માટેની જવાબદારી પાકિસ્તાન શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિ પાસેથી છીનવી લેવામાં આવી છે. એટલુ જ નહીં પાકિસ્તાન સરકારે આ જવાબદારી ઈટીપીબી નામની મુસ્લિમ કમિટીને સોંપી દીધી છે.
આ કમિટીમાં એકપણ શીખ સભ્ય રાખવામાં આવ્યો નથી. તેમજ આ કમિટી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ સાથે સંબંધ ધરાવતી હોવાનું પણ જાણવા મળ્યુ છે. પાકિસ્તાન સરકારના આ વલણનો ભારતે કડક શબ્દોમાં વિરોધ કર્યો છે.
ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, પાકિસ્તાનના આ નિર્ણયથી શીખ સમુદાયની ધાર્મિક લાગણી દુભાઈ છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ઈમરાન સરકારની આ હરકતથી તેની અસલ માનસિક્તા ઉજાગર થાય છે. સાથે જ ભારતે પાકિસ્તાનને આ નિર્ણય રદ્દ કરવા જણાવ્યું છે. મહત્વનું છે કે કરતારપુર ગુરુદ્વારાને શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનક દેવના અંતિમ વિશ્રામ સ્થળ તરીકે માનવામાં આવે છે. તેમણે તેમના જીવનના અંતિમ 18 વર્ષ કરતારપુરમાં વિતાવ્યા હતા.