ગુજરાતમાં હજી પણ કોરોનાનું સંક્રમણ યથાવત જોવા મળી રહ્યું છે. રાજ્યમાં 27 ઓક્ટોબર સાંજથી 28 ઓક્ટોબર સાંજ સુધીમાં વધુ 980 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 1,70,053 થઈ છે. તો બીજીબાજુ રાજ્યમાં એક જ દિવસમાં 1107 દર્દીઓએ કોરોનાને માત આપી છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
રાજ્યમાં 24 કલાકમાં વધુ 6 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 3704 થયો છે. જ્યારે અત્યાર સુધી રાજ્યમાં કુલ 1,52,995 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 227 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 186, વડોદરામાં 113 અને રાજકોટમાં 91 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 13354 એક્ટિવ કેસ હોવાની વિગત સામે આવી છે.