ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સુરત જાણે કોરોનાનુ એપી સેન્ટર બની રહ્યું હોય તેમ દિવસેને દિવસે કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે 13 જુલાઈ સાંજથી 14 જુલાઈ સાંજ સુધીમાં સુરતમાં કોરોનાના વધુ 291 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કોરોનાના શંકાસ્પદ લક્ષણ ધરાવતા 797 લોકોનો કોવિડ-19નો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે પૈકી 291 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સુરતમાં આ સાથે જ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 8406 થઈ ગઈ છે. જ્યારે સુરતમાં 24 કલાકમાં 147 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સુરતમાં અત્યાર સુધી 5315 દર્દીઓએ કોરોનાને માત આપતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે સુરતમાં 24 કલાકમાં 5 લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધી સુરતમાં 227 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા છે. તો હાલ સુરત જિલ્લામાં 2864 કોરોનાના એક્ટિવ કેસ છે. જેમને હોસ્પિટલમાં કોરોનાની સારવાર આપવામાં આવી રહી છે.