ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સુરત જાણે કોરોનાનુ એપી સેન્ટર બની રહ્યું હોય તેમ દિવસેને દિવસે કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં 24 કલાકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણ ધરાવતા 2828 લોકોનો કોવિડ 19નો ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે પૈકી 256 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 22 જુલાઈ સાંજથી 23 જુલાઈ સાંજ સુધીમાં સુરતમાં 256 કેસ નોંધાતાની સાથે કુલ કેસની સંખ્યા વધીને 10788 થઈ ગઈ છે.
જ્યારે સુરતમાં 24 કલાકમાં 205 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સુરતમાં અત્યાર સુધી 7428 દર્દીઓએ કોરોનાને માત આપતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે સુરતમાં 24 કલાકમાં 14 લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધી સુરતમાં 326 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા છે. તો હાલ સુરત જિલ્લામાં 3762 કોરોનાના એક્ટિવ કેસ છે. જેમને હોસ્પિટલમાં કોરોનાની સારવાર આપવામાં આવી રહી છે. મહત્વનું છે કે, સુરતમાં કોરોનાના કેસની સંખ્યા સતત વધતા તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી છે.