જામનગરના ગુલાબનગર વિસ્તારમાં ઓવરબ્રિજ ઉપરથી પસાર થઇ રહેલી એક કારમાં શોર્ટસર્કિટ ના કારણે આગ લાગી હતી, અને જોતજોતામાં કાર ભડકે બળવા લાગી હતી. સદભાગ્ય કારચાલક ઉતરી જતાં જાનહાની ટળી હતી. ફાયર બ્રિગેડની ટીમે દોડી જઇ આગને કાબુમાં લીધી હતી.
આગના આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં રાજ પાર્ક નજીક રંગમતી પાર્ક વિસ્તારમાં રહેતા ગોવિંદપાલસિંહ નામના વ્યક્તિ પોતાની જી.જે.10 એ.સી.3221 નંબરની કાર લઈને રાત્રીના પોણા બારેક વાગ્યાના અરસામાં ગુલાબનગર ઓવરબ્રિજ પરથી પસાર થઇ રહયા હતા.
જે દરમિયાન તેમની કારમાં એકાએક શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી ગઈ હતી. સમય સૂચકતા વાપરીને પોતે કારમાંથી નીચે ઉતરી જતાં સદભાગ્યે જાનહાની ટળી હતી. આગના આ બનાવ અંગે ફાયરબ્રિગેડને જાણ કરાતાં, ફાયર શાખાની ટુકડી તુરત જ ઘટનાસ્થળે દોડી ગઈ હતી, અને પાણીના એક ટેન્કર વડે આગને કાબુમાં લીધી હતી. જેથી કારમાં આગ વધુ પ્રસરતી અટકી હતી. આગના કારણે કારનો આગળનો તમામ હિસ્સો બળીને ખાખ થયો છે.