અમદાવાદમાં રોંગ સાઈડમાં વાહનો ચલાવવાને કારણે થતા અકસ્માતને રોકવા માટે શહેર પોલીસ દ્વારા એક અઠવાડિયા માટે ખાસ ડ્રાઈવ યોજવામાં આવી છે. જેમાં એક અઠવાડિયા સુધી પોલીસ રોંગ સાઈડ વાહન ચલાવનાર તથા HSRP નંબર પ્લેટ વગરના વાહન ચાલકો સામે કેસ કરી દંડ વસૂલવાનું શરૂ કર્યું છે. આ ડ્રાઈવ દરમ્યાન પહેલા જ દિવસે શહેરમાં રોંગ સાઈડમાં વાહનો ચલાવતા 89 લોકો પાસેથી પોલીસે 1.46 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો.
જેમાં HSRP નંબર પ્લેટ વગરના વાહનો પાસેથી રૂપિયા 1000, રોંગ સાઈડમાં વાહન ચલાવનાર પાસેથી રૂપિયા 1500, કાર ચાલક પાસેથી રૂપિયા 3000 તથા ટ્રક-બસ જેવા મોટા વાહનો પાસેથી રૂપિયા 5000 દંડ વસૂલવામાં આવી રહ્યો છે. જેમાં શહેરમાં મોટા પ્રમાણમાં આનંદનગર, સેટેલાઈટ, પાલડી, એસ.જી. હાઈવેના કેટલાક વિસ્તારમાં તેમજ સિંધુ ભવન રોડ પરથી દંડ વસૂલવામાં આવી રહ્યો છે. તેમજ દરેક પોલીસ સ્ટેશને કરેલી આ ડ્રાઈવની કામગીરીનું રિપોર્ટીંગ દરરોજ રાત્રે ઉપરી અધિકારીઓને મોકલી આપવા આદેશ કરાયો છે. જેમાં ટ્રાફિકના તમામ પોલીસ સ્ટેશનના PI તેમજ ઉપરી અધિકારીઓ 100 કરતા પણ વધારે પોઈન્ટ પર તૈનાત કરાશે.