ઠંડા પ્રદેશોમાં જોવા મળતી સફરજનની ખેતી હિંમતનગરના ચંદ્રપુરાકંપાના ખેડૂતે શરૂ કરી છે. 16 માસ અગાઉ હિમાચલ પ્રદેશ થી સફરજનના રોપા લાવી ખેતરમાં વાવ્યા હતા અને 364 રોપાએ હાલમાં ખેતરને સફરજનની વાડી બનાવી દીધુ છે. ફળ આવવા શરૂ થઈ ગયા છે કુદરતનો સાથે રહેશે તો આગામી વર્ષે સારું ઉત્પાદન મળવા માટે ખેડૂત આશાન્વિત છે.સાબરકાંઠાના ખેડૂતો સાહસિક અને ખેતી માં નિત નવા પ્રયોગો કરતા ખચકાતા નથી દેશી ગાય ઉપર આધારિત પ્રાકૃતિક ખેતી હોય કે રંગીન ફ્લાવર, ઇઝરાયેલી પદ્ધતિથી બેડ બનાવી હળદરની ખેતી હોય જિલ્લાના ખેડૂત હિંમત હારતા નથી ઠંડા પ્રદેશમાં જ ઉગતા સફરજનની ખેતી કરવાનો વિચાર કરવો પણ મશ્કરીરૂપ બની રહે તેવા પ્રાકૃતિક અને ભૌગોલિક રીતે વિપરીત કહી શકાય તેવી સ્થિતિમાં સફરજનના છોડ લાવી ખેતી કરવાનો ચંદ્રપુરા કંપાના જીતુભાઈ પોકારે આ વિચારને અમલમાં પણ મૂકી દીધો.
આ માટે તેમણે સોશિયલ મીડિયાનો સહારો લઇ હિમાચલના વ્યક્તિ સાથે સંપર્ક કર્યો અને માહિતગાર થયા બાદ એક રોપાના રૂ. 125 લેખે 364 રોપા લાવી સવા બે વીઘામાં વાવેતર કરી દીધું તેમણે જણાવ્યું કે 16 માસ સમય થઈ ગયો છે ફ્લાવરિંગ પણ શરૂ થયું છે અને ફળ બેસવા માંડ્યા છે કુદરતનો સાથ રહેશે તો આગામી વર્ષે સારું ગુણવત્તાવાળુ ઉત્પાદન મળવાની આશા છે અત્યારે તો સફરજનની ખેતી સફળ લાગી રહી છે ફળ બેસવા શરૂ થતાં આજુબાજુના ખેડૂતો પણ ખેતી અંગે માહિતી લેવા આવી રહ્યા છે.