બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાને જેમાં મેઈન રોલ કર્યો એવી વેબ સિરીઝ ‘તાંડવ’ને લઈ વિવાદ થમવાનું નામ નથી લઈ રહ્યો. આ વેબ સિરીઝ વિરુદ્ધ વિવિધ રાજ્યોમાં ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા અને જાતિ સંબંધિત શબ્દોનો ઉપયોગ કરવા બદલ એફઆઈઆર નોંધવામાં આવી છે.
બુધવારે કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ફિલ્મના કલાકારોને અરજી પર રાહત આપવાની અને જામીન આપવાનો સખત ઇનકાર કરી દીધો છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે બંધારણમાં અપાયેલી અભિવ્યક્તિની સ્વતંત્રતાની કોઈ તો મર્યાદા હોય છે, તે અમર્યાદિત નથી.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં ‘તાંડવ’ના મેકર્સ અને અભિનેતાઓ વતી એક અરજી કરવામાં આવી હતી જેમાં નોંધાયેલા કેસમાં રાહત અને વચગાળાના જામીન માંગવામાં આવ્યા હતા. આ મામલે સુનાવણી કરતાં ન્યાયાધીશ અશોક ભૂષણની બેંચે કોઈ રાહત આપવાનો ઇનકાર કર્યો હતો અને અરજદારોને હાઇકોર્ટમાં અરજી દાખલ કરવા નિર્દેશ આપ્યો હતો.