છેલ્લા 18 મહિનામાંથી અત્યાર સુધી સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ ફેસબુક પર સામાજિક મુદ્દા, ચુંટણી અને રાજકીય શ્રેણીમાં સૌથી વધુ જાહેરાતો આપી છે. જ્યારે આ મામલે કોંગ્રેસ સૌથી પાછળ છે. આ રિપોર્ટને હવે ભાજપ અને ફેસબુકની સાંઠગાંઠ સાથે પણ જોડવામાં આવી રહ્યો છે.
ભારતમાં ફેસબુકને જાહેરાત આપવામાં ભાજપ સૌથી આગળ છે. વર્ષ 2019 બાદ ભાજપે જાહેરાત પાછળ 4.61 કરોડ રુપિયાનો ખર્ચ કર્યો છે.
જ્યારે કોંગ્રેસ પાર્ટીએ ફેસબુકની જાહેરાત પાછળ 1.84 કરોડ રુપિયાનો ખર્ચ કર્યો છે. જ્યારે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ફેસબુક પર 69 લાખની જાહેરાત આપવામાં આવી હતી.
રીપોર્ટ મુજબ સામાજિક મુદ્દાઓ, ચૂંટણી અને રાજકારણ વર્ગમાં ફેસબુક પર ખર્ચતા ટોચના 10 જાહેરાતકર્તાઓમાંથી, અન્ય ચાર જાહેરાતકર્તાઓ ભાજપ સાથે સંકળાયેલા છે, જેમાંથી ત્રણ લોકોના સરનામાં દિલ્હીના ભાજપના રાષ્ટ્રીય મુખ્યાલયમાં છે.
આ ખુલાસો સોશિયલ મીડિયાના ખર્ચનો ડેટા રાખનાર ટ્રેકરથી થયો છે. આ ડેટા ફેબ્રુઆરી 2019થી 24 ઓગસ્ટ 2020 સુધી છે. આ જ સમયગાળામાં 2019ની લોકસભા ચૂંટણી પણ યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે ભારતમાં ભાજપ ફેસબુકની સૌથી મોટી એડવરટાઇઝર બની હતી. જેમાં સામાજીક,રાજકીય અને ચૂંટણીના મુદ્દાઓ પર જાહેરાત કરવામાં આવી હતી. નોંધનીય છે કે ફેસબુક અને ભાજપની સાંઠગાઠને લઈને ભારતનું રાજકારણ ગરમાયુ હતુ.