મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના ભીવંડીમાં મોટી દુર્ઘટના સામે આવી છે. જ્યાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થતાં 10 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે આ બનાવમાં 30થી વધુ લોકો કાટમાળ નીચે ફસાયા હતા. જેમને એનડીઆરએફની ટીમ તેમજ સ્થાનિક તંત્ર અને લોકો દ્વારા બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વહેલી સવારે બનેલી બિલ્ડિંગ ધરાશાયી થવાની આ ઘટનાને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, મુંબઈના ભીવંડીમાં એક ત્રણ માળની ઈમારત મધરાત્રે ધરાશાયી થઈ હતી.ધડાકાભેર બિલ્ડિંગ ધરાશાયી થતાં આસપાસના મકાનોમાં રહેતા લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. જ્યારે આ અંગેની જાણ થતાં બે એનડીઆરએફની ટીમ, પોલીસ ટીમ અને એમ્બુલન્સ વાન ઘટના સ્થળે પહોંચી હતી.
એનડીઆરએફની ટીમે તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ હાથ ધરી 10 મૃતદેહોને કાટમાળ નીચેથી બહાર કાઢ્યા હતા. જ્યારે કાટમાળ નીચે ફસાયેલા અને ઘાયલ થયેલા લોકોને પણ બહાર કાઢી સારવાર અર્થે ખસેડાયા હતા. આ દુર્ઘટના અંગેની માહિતી મળતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો હતો. સાથે જ બચાવ કામગીરી અંગે પણ માહિતી મેળવી હતી.