હંમેશા વિવાદોમાં રહેતા સાધુ નિત્યાનંદના અમદાવાદ આશ્રમના વિવાદમાં જૂના અખાડાના સાધુએ મોટું નિવેદન આપ્યું છે. નિત્યાનંદ સાથે જોડાયેલા વિવાદ મામલે આજે દશનામ જુના અખાડાના ઉપાધ્યક્ષ, જૂનાગઢના ગીરનાર મંડળના અધ્યક્ષ અને વરિષ્ઠ સંત ઇન્દ્રભારતી મહારાજે મીડીયા સમક્ષ મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે સમાજ અને ધર્મને કલંકિત કરે તેવા સાધુની અમારે જરૂર નથી. આવા તકલાદી સાધુને દેશવટો દેવો જોઈએ અને જુના અખાડાના સાધુ નિત્યાનંદનો બહિષ્કાર કરશે. જૂનાગઢ ભવનાથમાં વિશાળ રુદ્રેશ્વર જાગીર આશ્રમ ધરાવતા પ્રખર રાષ્ટ્રવાદી સંત ઇન્દ્રભારતી મહારાજે વધુમાં એવું પણ કહ્યું કે, અમદાવાદ સ્થિત તેમના આશ્રમની અંદર જે કાઈ પ્રવૃત્તિ થતી હોય એ પણ અજુગતી પ્રવૃત્તિઓ છે તે સાધુ સંતો માટે વ્યાજબી નથી. અને સાધુ સંતોએ આ વિવાદમાં પડવું ના જોઈએ. આજે નિત્યાનંદ કર્ણાટક અને બેંગ્લોરમાં મોટા આશ્રમો ધરાવે છે અને પોતે એક સંત પરંપરાની અંદર છે. પરંતુ થોડો સમય પહેલા તેનો વિવાદ થયો હતો ત્યારે અખાડા પરિષદે તેમનો બહિષ્કાર કર્યો હતો. તો ઇન્દ્રભારતી બાપુએ વધુમા જણાવ્યુ કે આવા તકવાદી સાધુને પ્રોત્સાહન દેવું ના જોઈએ. પોલીસને પણ વિનતી છે કે આ કેસમાં તટસ્થ અને ઝીણવટ ભરી તપાસ કરીને કડક સજા કરવી જોઈએ.