જૂનાગઢ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગત તારીખ ૧૪ ને ગુરૂવારના બપોરના સુમારે વાવાઝોડા જેવા પવન સાથે પડેલા કમોસમી માવઠાને કારણે ઝાલણસર સહિતના આસપાસના ગામોમાં ઉભા પાકનો સોથ વળી જતા કિસાન ક્રાંતિ ટ્રસ્ટના નેજા તળે બહોળી સંખ્યામાં ખેડૂતોએ ખેતીવાડી અધિકારી સહિતના અધિકારીઓને આવેદન આપી તાત્કાલિક વળતર ચૂકવવા માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે જૂનાગઢ તાલુકાના ઝાલણસર તેમજ આજુબાજુના ગામોમાં કમોસમી વરસાદના લીધે ઉભા પાકને ભારે નુકશાન થયું છે ત્યારે નુકશાનવાળા પાકનો તાત્કાલીક સર્વે કરી વળતર ચુકવવાની માંગણી સાથે કલેક્ટરને આવેદન પાઠવાયું છે. કિશાન ક્રાંતી ટ્રસ્ટ-ગુજરાત દ્વારા પાઠવાયેલ આવેદનમાં જણાવાયું છે કે, ગત તા.14 નાં રોજ આશરે 3 થી 5 ઇંચ જેટલા કમોસમી વરસાદના પગલે મગફળી અને કપાસ જેવા પાકને ભારે નુકશાન થયું છે. કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થઇ રહ્યા છે. આવા સંજોગોમાં રવિપાકનું પણ સમયસર વાવેતર થઇ શકે તેમ નથી. ત્યારે છેલ્લા કમોસમી વરસાદના લીધે પાકને થયેલ નુકશાનનો તાત્કાલીક સર્વે કરી ખેડૂતોને પાકવિમો ચુકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -