ફિલ્મ ‘પાણીપત’ રિલીઝ થાય તે પહેલાં જ વિવાદોમાં ફસાઈ ગઈ છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે અફઘાનિસ્તનના લોકોએ આપત્તિ દર્શાવી હતી. હવે, પાકિસ્તાને પણ આ ફિલ્મને લઈ વિરોધ પ્રગટ કર્યો છે. પાકિસ્તાન સરકારના મંત્રીએ ફિલ્મને લઈને કહ્યું હતું કે આ ફિલ્મમાં ઈતિહાસ સાથે છેડછાડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં અર્જુન કપૂર સદાશિવ રાવના રોલમાં છે, જ્યારે કૃતિ સેનન તેમની પત્ની પાર્વતીબાઈના રોલમાં છે. સંજય દત્તે ફિલ્મમાં અહમદશાહ અબ્દાલીનો રોલ ભજવ્યો છે. ફિલ્મ 6 ડિસેમ્બરના રોજ રિલીઝ થવાની છે………..
વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહેવા ટેવાયેલા પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ફવાદ ચૌધરીએ ફિલ્મ ‘પાણીપત’ પર સવાલ ઉઠાવ્યો છે. રિલીઝ પહેલાં ફવાદ ચૌધરીએ કહ્યું હતું કે ફિલ્મમાં મુસ્લિમ શાસકને ક્રૂર બતાવવા માટે ઈતિહાસ સાથે છેડછાડ કરવામાં આવી છે. ચૌધરીએ ટ્વીટ કરીને કહ્યું હતું, જ્યારે મૂર્ખ લોકો આરએસએસની વિચારધારા હેઠળ ફરીવાર ઈતિસાહ લખે છે તો તેમની પાસેથી આપણે કેવી આશા રાખી શકીએ? જુઓ, આગળ-આગળ શું થાય છે?ફિલ્મના ટ્રેલર બાદ અફઘાનિસ્તાનના પૂર્વ રાજદૂત ડો. શાઈદા અબ્દાલીએ ચિંતા પ્રગટ કરીને કહ્યું હતું, ભારતીય ફિલ્મ્સ ભારત-અફઘાનિસ્તાનના સંબંધોને મજબૂત કરવાની ભૂમિકા ભજવે છે. તેમને આશા છે કે આ ફિલ્મ ‘પાણીપત’માં તેમના ઈતિહાસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હશે. અફઘાન સરકાર તથા પ્રજાએ ચિંતા વ્યક્ત કરી હતી કે ફિલ્મમાં અહમદશાહ અબ્દાલીની નેગેટિવ ઈમેજ બતાવવામાં ના આવે.