ભુજના એરપોર્ટ રિંગરોડ પર ફરી એકવાર મગરે દેખા દેતા લોકો ભયભીત બન્યા હતા, જો કે તાત્કાલિક વનવિભાગે પકડીને રેસ્ક્યુ કરતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
સોમવારે બપોરે 12 વાગ્યા આસપાસ લોકોએ જાણ કરતા વનતંત્ર એક્શનમાં આવ્યું હતું. જો કે મગર સવારના ભાગે બહાર આવ્યો હોવાનું સ્થાનિક દ્વારા જાણવા મળ્યું હતું. ભુજ પશ્ચિમ વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિરલસિંહ ચાવડા સહીતની ટીમે ઘટનાસ્થળે જઈને મગરને સુરક્ષિત પાંજરે પૂર્યો હતો. બાદમાં સારવાર કરતા જાણવા મળ્યું કે, માથાના ભાગે જૂની ઇજાઓથી આ મગર પીડાતો હતો. સોમવારે પકડાયેલો નર મગર 6.8 ફૂટ લાંબો હતો અને 45 કિલો વજન હતો. મોઢું ફાડી રોડની સાઈડમાં દેખા દેતા એકચોટ લોકો ગભરાઈ ગયા હતા. તેની સારવાર કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, ભુજમાં 2 ઓગસ્ટના પણ અહીં એક મગર દેખાયો હતો. જોકે વાહન અડફેટે આવી જતા તે મોતને ભેટ્યો હતો.