નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના માથે મહા વાવાઝોડાના ખતરા વચ્ચે જિલ્લા કલેક્ટરે કાંઠા વિસ્તારના ધોલાઈ મત્સ્ય બંદરની મુલાકાત લઇ જરૃરી નિરીક્ષણ કરી માર્ગદર્શન પૂરું પાડયું હતું. અને સાવચેતીરૃપે બીલીમોરા શહેરમાંથી 7 મોટા હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા હતા.મહા વાવાઝોડાની સંભાવના વચ્ચે વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. સતત મોનિટરિંગ અને અધિકારીઓ સાથે પરામર્શ લાગલગાટ ચાલી રહ્યું છે. વહીવટીતંત્ર કોઈપણ આફતને પહોંચી વળવા સજ્જ થઈને બેઠું છે. સાવચેતીરૃપે બીલીમોરા શહેરમાં લાગેલા મોટા 7 હોર્ડિંગ્સ ઉતારી લેવાયા છે. બુધવારે નવસારી જિલ્લા કલેકટર આંદ્ર અગ્રવાલે બીલીમોરા નજીકના કાંઠા વિસ્તાર એવા ધોલાઈ મત્સ્ય બંદરની મુલાકાત લઇ સ્થિતિની સમીક્ષા કરી હતી. જેમાં બંદરના સ્થાનિક લોકો અને માછીમારોને માર્ગદર્શન પૂરું પાડયું હતું. વાવાઝોડાની અસર કાંઠા વિસ્તારને વધારે ધમરોળે તેવી શક્યતા પછી કાંઠા વિસ્તારના લોકોમાં દહેશત વ્યાપી છે. વાવાઝોડા સાથે ભારે પવન અને વરસાદની પણ સંભાવના હોવાથી લોકોને બિનજરૃરી બહાર કામ વગર નહીં નીકળવા વહીવટીતંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.