મલ્ટિસ્ટારર પિરિયડ ડ્રામા ફિલ્મ ‘પાણીપત’નું ટ્રેલર રિલીઝ થયું છે. ફિલ્મમાં સંજય દત્ત, અર્જુન કપૂર અને કૃતિ સેનન લીડ રોલમાં છે. આ ફિલ્મને ‘જોધા અકબર’, ‘લગાન’ ફેમ ડિરેક્ટર આશુતોષ ગોવરિકરે ડિરેક્ટ કરી છે જ્યારે ફિલ્મ પણ તેમના પ્રોડક્શન હાઉસ હેઠળ જ પ્રોડ્યૂસ થઇ છે. મરાઠા સામ્રાજ્ય અને અફઘાનિસ્તાનના રાજા વચ્ચે પાણીપતમાં જે યુદ્ધ થયું હતું તે સત્ય ઘટના પર આ ફિલ્મ આધારિત છે. આ ટ્રેલરમાં માતૃભૂમિ માટે લડનાર મરાઠાના વીર યોદ્ધાની સ્ટોરી બતાવવામાં આવી છે. મરાઠા સૈન્યના સરદાર સેનાપતિ સદાશિવરાવ ભાઉના રોલમાં અર્જુન કપૂર છે. તેની પત્ની પાર્વતી બાઈના રોલમાં કૃતિ સેનન છે. ટ્રેલરમાં સદાશિવરાવ ભાઉના સાહસ અને ચપળતાની સ્ટોરી બતાવવામાં આવી છે.
સમગ્ર હિંદુસ્તાનમાં વિજય તિરંગો લહેરાવીને મરાઠા સામ્રાજ્ય સૌથી તાકતવર બની ગયું હતું. ત્યારે તેની સામે અફઘાનિસ્તાનનો રાજા અહમદ શાહ અબ્દાલી પડકાર ફેંકે છે. જેનો રોલ સંજય દત્ત નિભાવી રહ્યો છે.
હિન્દુસ્તાન પર કબજો જમાવવાના ખરાબ ઈરાદાથી અહમદ શાહ અબ્દાલી યુદ્ધ કરે છે. ટ્રેલરમાં એ વીરોની શૌર્યગાથાને બતાવવામાં આવી છે જેમને માતૃભૂમિની રક્ષા માટે છેલ્લા શ્વાસ સુધી લડત આપી. ‘પાણીપત’ ફિલ્મથી કૃતિ સેનન પહેલીવાર એક મરાઠી કેરેક્ટર નિભાવી રહી છે. આ ફિલ્મ 6 ડિસેમ્બરના રોજ રિલીઝ થવાની છે.