હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાત આવતાં મહા વાવાઝોડું નબળું પડી જશે. પણ તેની અસર સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠે જોવા મળશે. અને આ સમયગાળા દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તો આ સમયગાળા દરમિયાન સોમનાથ અને દીવનાં પ્રવાસે જતાં લોકો માટે સરકાર તરફથી તાકીદ કરવામાં આવી છે કે, હાલ પૂરતાં કોઈ પ્રવાસી સોમનાથ કે દીવમાં ન આવે. ગીર સોમનાથમાં ‘મહા’ વાવાઝોડાને લઈ કલેક્ટરે તાકીદ કરી છે કે, સોમનાથમાં પ્રવાસીઓ ન આવે. પ્રવાસીઓની સતર્કતાના પગલે કલેક્ટરે આ આદેશ આપ્યો છે. સંભવિત વાવાઝોડાની સ્થિતિ સંદર્ભે પ્રવાસીઓને સોમનાથ પ્રવાસ ન ખેડવા માટે જિલ્લા કલેક્ટરે અનુરોધ કર્યો છે. અને જે પ્રવાસીઓ આવી ચૂક્યા છે, તેઓએ સલામત સ્થળ શોધી લેવા અને સમુદ્ર તરફ ન જવા માટે પણ અપીલ કરવામાં આવી છે. તો દીવ કલેક્ટરે પણ આ પ્રકારનાં આદેશ પ્રવાસીઓ માટે આપ્યા છે. દીવ ન આવવા માટે અને જે લોકો દીવમાં છે તેઓને બીચ ઉપર ન જવા માટે તાકીદ કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર ગીર સોમનાથના વડા મથક વેરાવળથી માત્ર 530 કિમી દૂર છે. આ વાવાઝોડું આગામી તા. 6થી વધુ તીવ્રતા સર્જાશે. અંદાજે 100થી 110 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ સાથે ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. મહા વાવાઝોડા સમયે આવનાર આફતને પહોંચી વળવા સરકારી તંત્ર પણ સજ્જ બન્યું છે.