ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી સાથે સંલગ્ન પંચમહાલના હાલોલ અને અમરેલીની કોલેજોમાં નેચરલ ફાર્મિંગ કૉલેજમાં 50—50 વિદ્યાર્થીઓની ક્ષમતામાં પ્રવેશ માટેની પ્રક્રિયા ચાલી રહી છે. આ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહમાં જીવવિજ્ઞાન અને અંગ્રેજી વિષય સાથે ગુજરાત બૉર્ડ અથવા રાજ્યમાં માન્યતા પ્રાપ્ત અન્ય બૉર્ડમાંથી પરીક્ષા પાસ કરેલી હોવી આવશ્યક છે. તદઉપરાંત આ વર્ષની ગુજકેટ પરીક્ષા પણ પાસ કરેલી હોવી જોઈએ.
નેચરલ ફાર્મિંગમાં પ્રવેશ માટે બી ગૃપના થિઅરી વિષયોના કુલ ગુણના 60 ટકા અને ગુજકેટમાં મેળવેલા કુલ ગુણના 40 ટકાના આધારે યાદી તૈયાર કરવામાં આવશે અને તેના આધારે પ્રવેશ ફાળવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીમાં ગત વર્ષથી M.S.C. નેચરલ ફાર્મિંગનો અભ્યાસક્રમ પણ શરૂ થયો છે. ઉપરાંત ડિપ્લોમા અને Ph.D નેચરલ ફાર્મિંગના અભ્યાસક્રમો તૈયાર કરવાની કામગીરી પણ ચાલી રહી છે. હાલોલની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ માટે પ્રાકૃતિક ભોજન સાથેની હૉસ્ટેલની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે.