તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના વડા એન. ચંદ્રબાબુ નાયડુએ બુધવારે ચોથી વખત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમણે વિજયવાડાની હદમાં કેસરપલ્લીમાં ગન્નાવરમ એરપોર્ટની સામે મેધા આઈટી પાર્ક પાસે શપથ લીધા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લીધો હતો.
પીએમ મોદી ઉપરાંત કેન્દ્રીય મંત્રી અમિત શાહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રીઓ નીતિન ગડકરી, રામદાસ આઠવલે, અનુપ્રિયા પટેલ, ચિરાગ પાસવાન, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે, એનસીપી નેતા પ્રફુલ પટેલ અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ પણ હાજર રહ્યા હતા.
પવન કલ્યાણ ડેપ્યુટી સીએમ બન્યા
પીઠાપુરમ વિધાનસભા સીટથી જીતેલા પવન કલ્યાણને ચંદ્રાબાબુ કેબિનેટ સરકારમાં ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. પવન કલ્યાણે પોતાના મોટા ભાઈ ચિરંજીવી સાથે રાજકીય સફર શરૂ કરી હતી. ચિરંજીવીએ 2008માં પ્રજા રાજ્યમ પાર્ટીની સ્થાપના કરી હતી. જો કે, તેમના ભાઈએ પ્રજા રાજ્યમ પાર્ટીને કોંગ્રેસમાં મર્જ કર્યા પછી તેઓ રાજકારણમાં બહુ સક્રિય ન હતા. પવન કલ્યાણે બાદમાં 2014માં જનસેના પાર્ટીની સ્થાપના કરી હતી.
આંધ્ર પ્રદેશ વિધાનસભામાં કુલ ધારાસભ્યોની સંખ્યા 175 છે. આ મુજબ કેબિનેટમાં મુખ્યમંત્રી સહિત 26 મંત્રીઓ હોઈ શકે છે. આંધ્રપ્રદેશમાં NDAમાં TDP, BJP અને જનસેનાનો સમાવેશ થાય છે. આ ચૂંટણીમાં NDAને 164 બેઠકો મળી છે.