લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. ભાજપ સૌથી મોટો પક્ષ બની ગયો છે, પરંતુ બહુમતીથી દૂર છે. જોકે એનડીએને બહુમતી મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે રાષ્ટ્રપતિને મળ્યા અને મંત્રી પરિષદ સાથે પોતાનું રાજીનામું સુપરત કર્યું. રાષ્ટ્રપતિએ રાજીનામું સ્વીકાર્યું છે અને નરેન્દ્ર મોદી અને મંત્રી પરિષદને વિનંતી કરી છે કે જ્યાં સુધી નવી સરકાર ચાર્જ ન લે ત્યાં સુધી પદ પર ચાલુ રહે.
ભાજપના નેતૃત્વમાં એનડીએ સતત ત્રીજી વખત કેન્દ્રમાં સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદી 8 જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. આ માટે બુધવારે દિલ્હીમાં NDA ગઠબંધનની મહત્વની બેઠક બોલાવવામાં આવી છે. બિહારના નીતિશ કુમાર, આંધ્રપ્રદેશના ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુ અને ગઠબંધનના અન્ય નેતાઓ આ બેઠકમાં ભાગ લેશે. આ વખતે ભાજપને બહુમતી ન મળવાને કારણે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ કિંગમેકરની ભૂમિકામાં આવી ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જેડીયુ અને ટીડીપી આગામી સરકારમાં મહત્વપૂર્ણ મંત્રાલયોની માંગ કરી શકે છે.