આ કાળઝાળ ગરમી વચ્ચે દિલ્હીમાં આગની ઘટનાઓ વધી છે. દિલ્હી ફાયર સર્વિસીસ (DFS)ને બુધવારે 200 ફોન કોલ્સ મળ્યા હતા. જેમાંથી 183 કોલ આગની ઘટનાઓ સંબંધિત હતા. વિભાગને આ વર્ષે સૌથી વધુ ફોન કોલ્સ મળ્યા છે. દિલ્હી ફાયર સર્વિસ દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, 1 જાન્યુઆરીથી 26 મે સુધી આગની ઘટનાઓ અંગે લગભગ 8,912 ફોન કોલ્સ પ્રાપ્ત થયા છે. DFS ચીફ અતુલ ગર્ગે કહ્યું, ’29 મેની મધરાત સુધી અમને 24 કલાકમાં 183 ફોન કોલ આવ્યા હતા. આ વર્ષે એક જ દિવસમાં આ સૌથી વધુ કોલ મળ્યા છે.
દિલ્હીમાં તાપમાન 50 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. આ ઉનાળામાં આગની ઘટનાઓ વધી રહી છે અને અનેક લોકો આ આગનો ભોગ પણ બન્યા છે. આંકડાઓ અનુસાર આ વર્ષે અત્યાર સુધીમાં દિલ્હીમાં આગની વિવિધ ઘટનાઓમાં 55 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 300થી વધુ લોકો ઘાયલ થયા છે.
કયા મહિનામાં કેટલા લોકોના મોત થયા
જાન્યુઆરીમાં આગની ઘટનાઓમાં 16 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ફેબ્રુઆરીમાં પણ 16 લોકોએ જીવ ગુમાવ્યા હતા. માર્ચ મહિનામાં 12 અને એપ્રિલ મહિનામાં 4 લોકોના મોત થયા છે. 26 મે સુધી આ આગ 7 લોકોના જીવ લઈ ચૂકી છે.
બેબી કેર હોસ્પિટલમાં 6 બાળકોના મોત થયા છે
26મીએ પૂર્વ દિલ્હીના વિવેક વિહાર વિસ્તારમાં આવેલી બેબી કેર ન્યૂ બોર્ન હોસ્પિટલમાં ભીષણ આગની ઘટના બની હતી. આ ઘટનામાં 6 નવજાત બાળકોએ જીવ ગુમાવ્યા અને 5 અન્ય ઘાયલ થયા. આ હોસ્પિટલમાં 5 ઓક્સિજન સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. 29 મેના રોજ પૂર્વ દિલ્હીના મધુ વિહાર વિસ્તારમાં પાર્કિંગ એરિયામાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં 16 કાર બળીને રાખ થઈ ગઈ હતી. જોકે, કોઈને ઈજા થઈ ન હતી. તે જ દિવસે ચાંદની ચોક વિસ્તારમાં પણ 5 દુકાનો બળીને રાખ થઈ ગઈ હતી. 28 મેના રોજ પશ્ચિમ વિહાર વિસ્તારમાં આવેલી ખાનગી આંખની હોસ્પિટલમાં આગ લાગી હતી.