સનરાઇઝર્સ હૈદરાબાદે શુક્રવારે રાજસ્થાન રોયલ્સને 36 રને હરાવીને IPL 2024ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. પેટ કમિન્સના નેતૃત્વમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ પ્રથમ ક્વોલિફાયરમાં હાર્યા બાદ બીજા ક્વોલિફાયરમાં જીત મેળવવામાં સફળ રહી છે. ફાઇનલમાં, તેનો સામનો કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે થશે, જેણે પ્રથમ ક્વોલિફાયરમાં હૈદરાબાદને 8 વિકેટથી હરાવ્યું હતું. બીજી ક્વોલિફાયર જીતવાની સાથે, સનરાઈઝર્સ હૈદરાબાદ સૌથી વધુ વખત ઈન્ડિયન પ્રીમિયર લીગની ફાઈનલ રમનારી પાંચમી ટીમ બની ગઈ છે.
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ ત્રીજી વખત ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ પણ ત્રણ વખત ફાઈનલ રમી ચુકી છે. IPLના ઈતિહાસમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સૌથી વધુ વખત ફાઈનલ રમી છે. ટીમ 10 વખત ફાઇનલમાં પહોંચી છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 6 વખત ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ છે. કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ ચાર વખત ફાઈનલ રમી છે અને બે વખત વિજેતા રહી છે.
સનરાઇઝર્સના 176 રનના લક્ષ્યાંકનો પીછો કરતા રોયલ્સ ટીમ ધ્રુવ જુરેલ (35 બોલમાં અણનમ 56, સાત ચોગ્ગા, બે છગ્ગા) અને ઓપનર યશસ્વી જયસ્વાલ (42)ની શાનદાર ઇનિંગ છતાં સાત વિકેટે 139 રન જ બનાવી શકી હતી. સનરાઇઝર્સ માટે શાહબાઝે 23 રનમાં ત્રણ વિકેટ લીધી હતી જ્યારે અભિષેકે 24 રનમાં બે વિકેટ લીધી હતી.
અગાઉ સનરાઇઝર્સે ક્લાસેન (34 બોલમાં ચાર છગ્ગા સાથે 50 રન)ની અડધી સદીની મદદથી નવ વિકેટે 175 રન બનાવ્યા હતા. ક્લાસને ઓપનર ટ્રેવિસ હેડ (34) સાથે ચોથી વિકેટ માટે 42 રન અને શાહબાઝ (18) સાથે સાતમી વિકેટ માટે 43 રનની ભાગીદારી પણ કરી હતી. રાહુલ ત્રિપાઠીએ પણ ઉપયોગી ઇનિંગ્સ (37) રમી હતી.
રોયલ્સ માટે અવેશ ખાન (27 રનમાં ત્રણ વિકેટ) અને ટ્રેન્ટ બોલ્ટ (45 રનમાં ત્રણ વિકેટ)એ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી જ્યારે સંદીપ શર્મા (25 રનમાં બે વિકેટ)એ બે વિકેટ ઝડપી હતી. રવિવારે આ મેદાન પર ફાઈનલ રમાશે.