અલ્હાબાદ હાઈકોર્ટે હાલમાં જ પોતાના એક મહત્વપૂર્ણ નિર્ણયમાં કહ્યું છે કે ઈસ્લામ ધર્મનું પાલન કરનાર કોઈપણ વ્યક્તિ લિવ-ઈન રિલેશનશિપમાં હોવાનો દાવો કરી શકે નહીં. ખાસ કરીને જો તેની પાસે પહેલેથી જ જીવંત જીવનસાથી હોય. કોર્ટે કહ્યું કે મુસ્લિમો દ્વારા અનુસરવામાં આવતા રિવાજો તેમને લિવ-ઈન રિલેશનશિપનો અધિકાર આપતા નથી.
જ્યારે પર્સનલ લો અને બંધારણીય અધિકારો બંને હેઠળ નાગરિકની વૈવાહિક સ્થિતિનું અર્થઘટન કરવામાં આવે છે, ત્યારે ધાર્મિક રિવાજોને પણ સમાન મહત્વ આપવું જોઈએ. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે બંધારણ દ્વારા માન્ય અને સક્ષમ વિધાનસભા દ્વારા બનાવવામાં આવેલ સામાજિક અને ધાર્મિક રીત-રિવાજો અને પ્રથાઓ અને કાયદાઓ સમાન સ્ત્રોત ધરાવે છે.
કોર્ટે કહ્યું કે, “એકવાર રિવાજો અને પ્રથાઓને આપણા બંધારણના માળખામાં માન્ય કાયદા તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે આવા કાયદા યોગ્ય કેસોમાં પણ લાગુ થાય છે.” તેના આદેશમાં, કોર્ટે કહ્યું કે કલમ 21 હેઠળ લિવ-ઇન રિલેશનશિપનો બંધારણીય અધિકાર લાગુ થતો નથી જ્યારે રિવાજો અને પરંપરાઓ બે વ્યક્તિઓ વચ્ચેના આવા સંબંધોને પ્રતિબંધિત કરે છે. હાઈકોર્ટે કહ્યું કે, “ઈસ્લામમાં આસ્થા ધરાવનાર કોઈ પણ વ્યક્તિ લિવ-ઈન રિલેશનશિપના અધિકારનો દાવો કરી શકે નહીં, ખાસ કરીને જ્યારે તેની પાસે જીવંત જીવનસાથી હોય.”
હાઈકોર્ટે આ ટિપ્પણી એક અરજીની સુનાવણી દરમિયાન કરી હતી જેમાં એક વ્યક્તિ વિરુદ્ધ અપહરણના કેસને ફગાવી દેવાની વિનંતી કરવામાં આવી હતી. અરજીમાં હિંદુ-મુસ્લિમ દંપતીના લિવ-ઈન રિલેશનશિપમાં દખલ ન કરવા માટેના નિર્દેશની પણ માંગ કરવામાં આવી હતી. સુનાવણી અને પુરાવાઓની તપાસ દરમિયાન, અદાલતને જાણવા મળ્યું કે અરજદાર, એક મુસ્લિમ પુરુષ, પહેલેથી જ એક મુસ્લિમ મહિલા સાથે લગ્ન કરી ચૂક્યો છે અને તેને પાંચ વર્ષની પુત્રી પણ છે.
કોર્ટને કહેવામાં આવ્યું હતું કે મુસ્લિમ પુરુષની પત્નીને તેના પતિના હિંદુ મહિલા સાથે લિવ-ઈન રિલેશનશિપ સામે કોઈ વાંધો નથી કારણ કે તે કેટલીક બીમારીઓથી પીડિત છે. બાદમાં કોર્ટે બંને મહિલાઓને કોર્ટમાં રજૂ કરવાનો આદેશ કર્યો હતો. કોર્ટને જાણવા મળ્યું કે પિટિશન મૂળ તો લિવ-ઇન રિલેશનશિપને કાયદેસર બનાવવા માટે દાખલ કરવામાં આવી હતી.