અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી IPL 2024માં શાનદાર ફોર્મમાં છે. કોહલી એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરવાની ખૂબ નજીક છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પૂર્વ કેપ્ટન મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ દરમિયાન ઓપનર તરીકે 4000 રન પૂરા કરી શકે છે. વિરાટ કોહલી પાસે વાનખેડે સ્ટેડિયમમાં રમાનારી મેચમાં ઓપનર તરીકે 4000 રન પૂરા કરવાની તક છે. જો તે આ મેચમાં 73 રન બનાવી લે છે તો તે આવું કરનાર ચોથો ઓપનર બની જશે.
IPLમાં, વિરાટ કોહલીએ બેટ્સમેન તરીકે 103 ઇનિંગ્સમાં 45.66ની એવરેજ અને 136ની સ્ટ્રાઇક રેટથી 3927 રન બનાવ્યા છે. રસપ્રદ વાત એ છે કે વિરાટ કોહલીએ આઈપીએલમાં આઠ સદી ફટકારી છે અને આ તમામ સદી તેણે ઓપનર તરીકે ફટકારી છે. IPLમાં ઓપનર તરીકે સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં શિખર ધવન (6362), ડેવિડ વોર્નર (5900) અને ક્રિસ ગેલ (4480) ટોચના 3 બેટ્સમેન છે.
વિરાટ કોહલી IPLના ઈતિહાસમાં 250 સિક્સર મારનાર ચોથો બેટ્સમેન બનવાથી માત્ર 4 સિક્સ દૂર છે. હાલમાં ક્રિસ ગેલ (357), રોહિત શર્મા (264) અને એબી ડી વિલિયર્સ (251) સૌથી વધુ સિક્સર ફટકારનારા બેટ્સમેન છે. વિરાટ કોહલી ચાલુ સિઝનમાં શાનદાર ફોર્મમાં છે. તે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. કોહલીએ 5 મેચમાં 146ના સ્ટ્રાઈક રેટથી 316 રન બનાવ્યા છે. કોહલીએ પંજાબ અને કોલકાતા સામે અડધી સદી ફટકારી હતી, જ્યારે તેણે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ સામે 113 રનની અણનમ ઇનિંગ રમી હતી.
વિરાટ કોહલીએ સૌથી વધુ રન બનાવ્યા હોવા છતાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. ટીમ અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકી નથી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ પાંચ મેચ રમી છે જેમાંથી ચારમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ એક મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલમાં બે પોઈન્ટ સાથે નવમા ક્રમે છે.