સોશિયલ મીડિયામાં રણબીર કપૂર તથા આલિયા ભટ્ટનું વેડિંગ કાર્ડ વાયરલ બન્યું છે.
આલિયાને જ્યારે આ કાર્ડ અંગે સવાલ કરવામાં આવ્યો તો તે હસવા લાગી હતી, અને કહ્યું હતું કે હવે તે આના પર શું કહે. આલિયા તથા રણબીર લાંબા સમયથી એકબીજાને ડેટ કરે છે.વેડિંગ કાર્ડમાં રણબીર તથા આલિયાની વેડિંગ ડેટ 22 જાન્યુઆરી, 2020 લખવામાં આવી છે. લગ્ન જોધપુરના ઉમ્મેદ પેલેસમાં છે. કાર્ડમાં આલિયાના પેરેન્ટ્સ તરીકે સોની તથા મુકેશ ભટ્ટ લખવામાં આવ્યું છે. જોકે, આ કાર્ડ ફૅક છે. આલિયાનાં નામનો સ્પેલિંગ તથા તેના પિતાનું નામ ખોટું છાપવામાં આવ્યું છે. આલિયા ભટ્ટના પિતાનું નામ મહેશ ભટ્ટ છે.
રણબીર તથા આલિયા પહેલી જ વાર ડિરેક્ટર અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં સાથે જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે અમિતાભ બચ્ચન, ડિમ્પલ કાપડિયા, મૌની રોય તથા નાગાર્જુન પણ છે. આ ફિલ્મનું શૂટિંગ બનારસ, લંડન તથા ઉત્તરાખંડમાં કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ત્રણ પાર્ટમાં બનશે, તેવી ચર્ચા છે.