ભચાઉના કુંભારડી ગામની વાડીમાંથી 11 મહિના અગાઉ યુવાન પત્નીની હત્યા કરી નાસી ગયેલાં પતિને આખરે ભચાઉ પોલીસે ગોધરાથી ઝડપી પાડ્યો છે. આ બનાવમાં હત્યાના 8 મહિના બાદ પીએમ રીપોર્ટના આધારે ભચાઉ પોલીસે અજાણ્યા શખ્સ વિરુધ્ધ ભારતીય દંડસંહિતા 302 હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ઘટનાની વિગત એવી છે કે, 18મી નવેમ્બર 2018નાં રોજ સાંજે સવા પાંચ વાગ્યાના અરસામાં ભચાઉના કુંભારડી ગામની સીમની એક વાડીમાંથી 25થી 30 વર્ષની વયની સુનીતા ઊર્ફ સુમિત્રા નાયક નામની પરિણીતાનો કોહવાઈ ગયેલો અને શ્વાનોએ ફાડી ખાધેલો મૃતદેહ મળ્યો હતો. વાડીમાલિક ગંભીરસિંહ જાડેજાએ પોલીસને જણાવ્યું હતું કે, મરનાર યુવતી તેના પતિ દિનેશ સાથે તેમની વાડીમાં ખેતમજૂરી કરતી હતી. દંપતી પંચમહાલના મોરવાહડફનું રહીશ હતું. એકતરફ, પત્નીની લાશ મળી હતી અને બીજી તરફ તેનો પતિ દિનેશ ભેદી રીતે લાપત્તા હતો. પોલીસે એક્સિડેન્ટલ ડૅથની નોંધ પાડી લાશને પોસ્ટમોર્ટમ માટે જામનગર એમ.પી.શાહ મેડિકલ કૉલેજ મોકલી આપી હતી. મેડિકલ કોલેજના તબીબોએ સુમિત્રાના ગળામાં ઈજા અને માથામાં ફ્રેક્ચર હોવાનો રીપોર્ટ આપી તેની હત્યા થઈ હોવાનું જણાવ્યું હતું. જેથી 17-07-2019નાં રોજ ભચાઉ પોલીસે અજાણ્યા શખ્સ સામે સુમિત્રાની હત્યા નીપજાવવાનો ગુનો દાખલ કર્યો હતો. જો કે, પોલીસને પહેલો શક તેનાલાપત્તા પર પતિ જ હતો. ભચાઉ પોલીસે ગોધરા પેરોલ ફર્લો સ્ક્વૉડની મદદથી તેના પતિ દિનેશને શોધવાનું શરૂ કર્યું હતું અને છેવટે તે ઝડપાઈ ગયો છે.