છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી પહેલા નક્સલવાદીઓએ હંગામો મચાવવાનું શરૂ કરી દીધું છે. આજે સવારે નક્સલવાદીઓએ દંતેવાડાના બરસૂર પોલીસ સ્ટેશન વિસ્તારમાં IED બ્લાસ્ટ કર્યો હતો. IED બ્લાસ્ટમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના બે જવાન ઘાયલ થયા છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
આ ઘટના બરસુર પલ્લી રોડ પર બની હતી, જ્યાં 195મી બટાલિયનના સૈનિકો એક પુલ પાસે બેનર પોસ્ટરો હટાવવામાં રોકાયેલા હતા. દંતેવાડા પોલીસે જણાવ્યું કે, “ઘાયલ જવાન ખતરાની બહાર છે અને તેમની સારવાર ચાલી રહી છે. વધુ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
પોલીસે જણાવ્યું કે અગાઉ 27 નવેમ્બરના રોજ શંકાસ્પદ નક્સલવાદીઓએ છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં નિર્માણ કાર્યમાં રોકાયેલા ઓછામાં ઓછા 14 વાહનો અને મશીનોને આગ ચાંપી દીધી હતી. દંતેવાડાના અધિક પોલીસ અધિક્ષક આરકે બર્મને જણાવ્યું કે આ ઘટના ભાંસી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બંગાળી કેમ્પમાં સવારે લગભગ 1.30 વાગ્યે બની હતી. તેમણે કહ્યું કે આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી.
#WATCH | Chhattisgarh: Two CRPF jawans got injured in an IED explosion in the Barsoor police station area. They are out of danger and undergoing treatment: Dantewada Police pic.twitter.com/Y2j8jHkGBt
— ANI (@ANI) December 2, 2023
પોલીસ અધિકારીએ કહ્યું, “નક્સલવાદીઓએ ચાર ટ્રક, ચાર પિકઅપ, એક અર્થ મૂવિંગ મશીન (જેસીબી), એક ક્રેન, એક સિફ્ટર ટ્રક, બે પાણીના ટેન્કર અને એક મિક્સર વાહનને આગ લગાવી દીધી હતી.” એડિશનલ એસપી બર્મને જણાવ્યું હતું કે, “ત્યાં લગભગ 25-30 નક્સલવાદીઓ હતા, જેમાંથી મોટાભાગના ગામવાસીઓના વેશમાં હતા. વાહનોને આગ ચાંપી દીધા બાદ તમામ ભાગી ગયા હતા. માહિતી મળતાની સાથે જ પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું અને આગને કાબુમાં લીધી.”
રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી આવતીકાલે એટલે કે 3જી ડિસેમ્બરે યોજાવાની છે. આવી સ્થિતિમાં નક્સલ પ્રભાવિત વિસ્તારમાં વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. નક્સલી ઘટના બાદ આ વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.