સુરતના હઝીરા મરીન પોલીસના SP રાજેન સુસરાના (SP Rajen Susra) ધર્મપત્નીએ જીવન ટૂંકાવ્યાના અહેવાલ મળતા પોલીસ બેડામાં શોક જોવા મળી રહ્યો છે. રાજેન સુસરાના 47 વર્ષીય પત્ની સાલુબેનના જીવન ટૂંકાવ્યાની માહિતી મળતા જ અમદાવાદ શહેરના બોડકદેવ પોલીસ (Ahmedabad Police) સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. મળતી વિગતો અનુસાર ગતરોજ રાત્રિના સમયે જ રાજેન સુસરા અને તેમના પત્ની સાલુબેન સુરતથી અમદાવાદ (Ahmedabad)ખાતે આવ્યા હતા અને સવારના સમયે આ ઘટનાની જાણ પરિવારને થઈ હતી.
આજરોજ વહેલી સવારે રાજેન સુસરાના પત્ની સાલુબેને અમદાવાદના થલતેજના શાંગ્રીલા બંગ્લોઝમાં આવેલા નિવાસ સ્થાને ગળાફાંસો લગાવી જીવન ટૂંકાવ્યાના સમાચાર સામે આવ્યા છે. પોલીસે હાલ સાલુબેનનો મૃતદેહ અમદાવાદની સોલા હોસ્પિટલ ખાતે ખસેડી આ મામલે તપાસ હાથ ધરી છે. હાલ મળતી પ્રાથમિક વિગતો અનુસાર પોલીસને કોઈ સ્યુસાઈડ નોટ કે લખાણ મળી આવ્યા નથી. જેથી પોલીસ મામલાની તપાસ માટે મોબાઈલ ફોન સહિતની વિગતો ચકાસી રહી છે.
ત્યારે માહિતી મળી રહી છે કે, રાજેન સુસરાના પરિવારમાં પત્ની, બે જોડીયા દિકરા અને એક દિકરીનો સમાવેશ થાય છે. બંને દિકરા સુરતની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે, જ્યારે દિકરી વિદેશમાં અભ્યાસ કરી રહી છે. પરંતુ મહારાષ્ટ્ર ખાતે રાજેન સુસરાના ભત્રિજાના લગ્ન પ્રસંગ હોવાથી પરિવારના તમામ સભ્યો ત્યાં હાજરી આપવા ગયા હતા. ત્યાંથી પરિવાર સુરત પરત ફર્યો અને બાદમાં અમદાવાદ ખાતે પહોંચ્યો હતો. પરંતુ રાજેન સુસરા પર ડ્યુટી પર હાજર થયા અને બાદમાં અમદાવાદ સાંજના સમયે પહોંચ્યા હતા. આમ સાલુબેન પોતાના બાળકો સાથે પહેલા જ અમદાવાદ પહોંચી ગયા હતા અને બાદમાં IPS સુસરા અમદાવાદ પહોંચ્યા હતા.
ગતરોજ રાત્રિના સમયે પરિવાર ઊંઘી ગયો હતો અને બધું સમુંસુતરું ચાલી રહ્યું હતું. પરંતુ આજે શુક્રવારની સવારે સાલુબેને પોતાના બાળકના રૂમમાં ગળાફાંસો લગાવી અગમ્ય કારણો સર જીવનટૂંકાવી લીધું હતું. જે ઘટનાની જાણ પરિવારને થતા જ પરિવાર હતપ્રભ બની ગયો હતો અને મામલાની જાણ પોલીસને કરવામાં આવી હતી. આમ હાલ સુધી મૃત્યુના કારણ અંગે કોઈ સ્પષ્ટતા થઈ શકે તેમ નથી.
આમ દંપતિ કે પરિવાર વચ્ચે તકરાર કે અણબનાવ હોવાની વાતને પણ હાલ કોઈ સમર્થન મળી રહ્યું નથી. ત્યારે હવે પોલીસની તપાસ બાદ જ જાણી શકાય તેમ છે કે આ ઘટના પાછળ જવાબદાર કારણ શું રહ્યું છે.