જ્યારે કોઈ નવજાત બાળકનો જન્મ થાય ત્યારે બાળક પુરુષ હશે કે સ્ત્રી તે રંગસૂત્રોના આધારે નક્કી થાય છે, પરંતુ ઘણા કિસ્સામાં એવું બને છે કે બાળક મોટું થાય અને તેને પોતનું લિંગ પરીવર્તન કરવાની ઈચ્છા થતી હોય છે. આજના વૈજ્ઞાનિક યુગમાં આ વાત શક્ય પણ છે. આવી જ રીતે મહેસાણામાં (Mehsana) 1997માં જન્મેલી એક યુવતીએ લિંગ પરીવર્તન (Gender change) કરવતા હવે તેણે પુરુષ તરીકેનું જન્મ પ્રમાણપત્ર મેળવવા મહેસાણા નગરપાલિકામાં અરજી કરી હતી, પટતું મહેસાણા નગરપાલિકા (Mehsana Municipality) તંત્ર મૂંઝવણમાં મૂકાતા હવે ગાંધીનગર વાડી કચેરીના માર્ગદર્શન બાદ દસ મહિને આ યુવતીને પુરુષ તરીકેનું જન્મ પ્રમાણપત્ર મળ્યું છે.
મળતી વિગતો અનુસાર, મહેસાણાના એક ગામની મહિલાએ સપ્ટેમ્બર 1997માં શહેરી વિસ્તારની એક હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો. જે દીકરીએ પોતાના જન્મના 25 વર્ષ બાદ યુવાનીમાં પોતે યુવતીમાંથી યુવક બનવા સુરતની એક હોસ્પિટલમાં લિંગ પરિવર્તનની સર્જરી કરાવી હતી. લિંગ પરિવર્તન બાદ યુવતીમાંથી યુવક બનેલા વ્યક્તિએ પોતાના જન્મના પ્રમાણ પત્રમાં પોતાનું નામ અને જાતિ બદલવા માટે મહેસાણા નગરપાલિકામાં જન્મ-મરણ શાખામાં તબીબના સર્જરી ડોક્યુમેન્ટ સાથે દાખલો મેળવવા અરજી કરી હતી અને બર્થ સર્ટિફિકેટમાં ફેરફાર કરી પુરુષનું બર્થ સર્ટિફિકેટ ઇસ્યૂ કરવા રજૂઆત કરી હતી.
લિંગ પરિવર્તનની સર્જરી બાદ 25 વર્ષીય યુવતી પોતે પુરુષ થઇ હોવાની અરજી કરતા પાલિકા મુંઝવણમાં મુકાઈ હતી. જેથી તેમણે ગાંધીનગર પ્રાદેશિક કમિશ્નર સુધી આ અંગે અભિપ્રાય સાથે સૂચન માગ્યા હતા. સરકારના ગૃહ વિભાગમાંથી કાયદાની જોગવાઈ મુજબ નિયમાનુસાર અરજદારના લિંગ પરિવર્તનના પુરાવા મેડિકલ સર્ટિફિકેટ આધારે અરજીનો નિકાલ કરવા અભિપ્રાય આપ્યો હતો. મહેસાણા પાલિકા પ્રોટેક્શન એક્ટની કલમ 7 મુજબ અરજદારનું નામ અને સ્ત્રી જાતિના જન્મના પ્રમાણપત્ર સુધારો કરી પુરુષ જાતિ અને નવા નામ વાળુ જન્મનું પ્રમાણપત્ર ઇસ્યૂ ટૂંક સમયમાં કરશે.