દિવાળીનો તહેવાર લગભગ શરૂ થવાની તૈયારીમાં છે. દિવાળી એક એવો તહેવાર છે જેમાં કામ ધંધા માટે બહાર ગયેલા લોકો પોતાના વતનમાં આવે છે. એવામાં વાહનોની અવરજવર તથા દિવાળીમાં ફટાકડા ફોડવાને લઈ અકસ્માતોની સંખ્યા પણ ઘણી વધી જાય છે. ફટાકડા ફોડવામાં જો ધ્યાન રાખવામા ન આવે તો અકસ્માતોનું જોખમ રહે છે. ત્યારે 108 EMRI દ્વારા લોકોને સલામતીનું ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આજ રોજ 108 EMRI કઠવાડા ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં EMRIના સીઇઓઓ જશવંત પ્રજાપતિ દ્વારા લોકોને દિવાળીનો તહેવાર આનંદ અને ઉલ્લાસપૂર્વક ઊજવવાની તથા ફટાકડા ફોડવામાં સલામતીનું ધ્યાન રાખવાની લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે. વધુમાં EMRI દ્વારા કહેવામા આવ્યું કે, અકસ્માતોના કેસોમાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે. EMRI દ્વારા અકસ્માતોના કેસોને લઈ કરવામાં આવેલા વિશ્લેષ્ણ મુજબ દિવાળી દરમિયાન મેડિકલ ઈમરજન્સીના કેસોમાં 3%, નવા વર્ષમાં 18% અને ભાઈબીજના દિવસોમાં 13%નો સંભવિત વધારો થવાની શક્યતા જણાઈ આવે છે.
પ્રેસ કોન્ફરન્સમાં વધુમાં EMRI દ્વારા જણાવવામાં આવ્યું કે, 108 ઈમરજન્સી સેવાઓ દિવાળી દરમિયાન મેડિકલ ઈમરજન્સીના કેસોમાં થનારા વધારાને પહોંચી વળવા આગોતરી તૈયારી તથા વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી છે. તેમજ કટોકટી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 24/7 સમયસર મદદ પૂરી પાડવા EMRI કટિબદ્ધ હોવાની પણ વાત કરવામાં આવી હતી.