સમાજમાં યુવક યુવતીઓના પ્રેમસંબંધો ક્યારેક એવી વિમાસણ ઊભી કરે છે કે, માતા-પિતાએ સમાજની પરંપરા જાળવી રાખવા દીકરા દીકરીના પ્રેમલગ્નનો વિરોધ કરવો કે પછી તેમના પક્ષમાં ઊભા રહેવું તે માતા-પિતા માટે યક્ષ સવાલ હોય છે. માતા-પિતા જ્યારે સંતાનોના વૈવાહિક નિર્ણયો સ્વીકારે છે, ત્યારે અને જ્યારે પ્રેમસંબંધોનો વિરોધ કરે છે ત્યારે પરિસ્થિતિ અલગ હોય છે. એવામાં વડોદરામાં (Vadodara) દીકરીએ પ્રેમલગ્ન (Love Marriage) કરી લેતા નારાજ પિતાએ દીકરીનું બેસણું રાખી મુંડન કરાવી દેવાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા જીલ્લાના નાના ગામ લીલોરામાં હસમુખ વાળંદ નામના વ્યક્તિ પરિવાર સાથે રહે છે. હસમુખ વાળંદની મોટી દીકરી અર્પિતા બી.કોમનો અભ્યાસ કરે છે. અર્પિતાને તેના જ ગામના ઋત્વિક ભાલિયા નામના યુવક સાથે ઘણા સમયથી પ્રેમસંબંધ હતો. પરંતુ અર્પિતના માતા-પિતા તેમની દીકરીના પ્રેમસંબંધથી રાજી નહોતા તથા પોતે નક્કી કરેલા મુરતીયા સાથે દીકરીનું લગ્ન કરાવવા માગતા હતા. પરંતુ અચાનક હસમુખ વાળંદની દીકરી અર્પિતાએ ૧૨ ઓક્ટોબરના રોજ ઋત્વિક ભાલિયા સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા. દીકરીએ પ્રેમલગ્ન કરીને તેના પિતાને મોબાઈલથી મેસેજ કરીને લગ્નની જાણ કરી હતી. લગ્નની જાણ થતાં જ દીકરીના પ્રેમલગ્નથી નારાજ મા-તાપિતા તૂટી પડ્યા હતા. સમાચાર મળતાની સાથે જ હસમુખ વાળંદે પોતાની દીકરી અર્પિતા તેમના માટે મૃત્યુ પામી છે તેવી જાહેરાત કરી હતી.
વધુમાં પોતાની દીકરીને મૃત જાહેર કરીને શોકસભા પણ બોલાવી હતી. ખાસ વાત એ પણ છે કે, હસમુખ વાળંદે બોલાવેલી શોકસભામાં બેસણા માટે જે બેનર લગાવ્યું હતું તેમાં તેમની દીકરીના નામની આગળ “સ્વર્ગીય” લખેલું હતું. તથા જીવતી દીકરીની શોકસભા કરીને હસમુખ વાળંદે મુંડન પણ કરાવ્યું હતું. તેમજ સમાજના લોકોને કહ્યું હતું કે, હવે મારે દીકરી સાથે કોઈ લેવા દેવા નથી. વ્હાલી દીકરી મારા માટે મારી ગઈ છે. અત્રે એ પણ જણાવવું જોઈએ કે, માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરવાની બાબતમા સરકાર કાયદો લાવવાની તૈયારી કરી રહી હતી. જો આ કાયદો સરકાર દ્વારા લાવવામાં આવશે તો યુવક યુવતીઓ માતા-પિતાની સંમતિ વિના કોર્ટ મેરેજ કરી શકશે નહી.