ગુજરાતમાં નકલી PMO, CMO તથા નકલી PSI ઘણીવાર ઝડપાઈ ચૂક્યા છે. પોતાની ઓળખ PMO, CMO કે નકલી PSI તરીકે આપી રોફ જમાવનારા આરોપીઓની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે. સામાન્ય માણસ નકલી ઓળખ આપનારા PMO, CMO પાસે કોઈ પુરાવો માગી શકતી નથી એ વાતથી આરોપીઓ સારી રીતે વાકેફ છે. તે જ બાબતનો ફાયદો ઉઠાવી ઉચ્ચ અધિકારીની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવે છે, ત્યારે સુરતના (Surat) ઉધનામાં એક બિહારી વ્યક્તિએ પોતાની ઓળખ IPS તરીકે આપી અને વાહન ચાલકો પાસેથી પૈસા પડાવ્યાની વાત સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઉધના પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ઉગાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ સન્મુખભાઈ રણછોડભાઈ દિવાળીનો તહેવાર નજીકમાં હોવાથી ઉધના પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે તેમને બાતમી મળી કે, એક વ્યક્તિ પોલીસનો ડ્રેસ પહેરી લોકો સામે રોફ જમાવે છે. તેમજ રસ્તા પર જતાં આવતા વાહનોને રોકવા ઈશારા કરે છે. વાહન ચાલકોને સાઈડમાં ઊભા રાખીને પોતાની ઓળખ IPS તરીકે આપીને લોકો પાસેથી પૈસા ઉઘરાવે છે. કોન્સ્ટેબલ સન્મુખભાઈ રણછોડભાઈ અને કોન્સ્ટેબલ અરવિંદભાઈ ઉગાભાઈને મળેલી સંયુક્ત બાતમીને આધારે પોલીસે તપાસ કરતાં તથા CCTV ચેક કરતાં મૂળ બિહારનો રહેવાસી મોહમ્મદ સરમજ અજરૂલ હક આલમ પોલીસ યુનિફોર્મ પહેરેલી હાલતમાં પકડાયો હતો. વધુમાં તેના શોલ્ડર પર IPS લખેલુ બ્લ્યુ કલરની બેરેક કેપ પર IPS લખેલો મોનોગ્રામ આર્ટીકલ સાથે વોકીટોકી આકારની બે નકલી વોકીટોકી તથા લાલ કલરના બુટ, બેલ્ટ સાથે ઉધના પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસે આરોપી મોહમ્મદ સરમજ અજરૂલ હક આલમ સામે આઈપીસી કલામ 170,171 તથા જી.પી.એક્ટની કલમ 149(ક) મુજબની ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.