સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે જેનો સારો અને ખરાબ બંને પ્રકારે ઉપયોગ કરી શકાય છે. સોશિયલ મીડિયાથી દુનિયા સાવ નાની બની ગઈ છે અને આ નાની દુનિયામાં જો કોઈ વ્યક્તિ બીજા કોઈને છેતરવા ધારે તો ખૂબ સરળતાથી તે કામ કરી શકે છે. સાયબર ક્રાઈમ દ્વારા લોકોને છેતરતા આરોપીઓની ધરપકડ કરવાની કામગીરી ચાલી રહી છે, પણ ભેજાબાજ આરોપીઓ કેટલીક વાર પોલીસથી વધારે ચાલાક નીકળે છે. આવા ભેજાબાજો પોલીસને પણ થાપ આપે છે અને ખુલ્લેઆમ સોશિયલ મીડિયા થકી લોકોને છેતરે છે. ત્યારે એકના ડબલ કરવાના નામે લોકોને છેતરતી ગેંગ દ્વારા પોલીસને જ ચેલેન્જ કરવાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ફેક કરન્સીનો વેપાર કરતી ગેંગ સક્રિય છે. નકલી નોટ સાથે જ્યારે કોઈ વ્યક્તિ ઝડપાય છે ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે, નકલી નોટ આવી ક્યાંથી? શહેરમાં એવી કેટલીક ગેંગો સક્રિય છે અને લોકો સાથે લાખો કરોડો રૂપિયાની છેતરપિંડી કરી રહી છે. આ પ્રકારના ભેજાબાજો રૂપિયા એકના ડબલ કરવાની વાત કરી લોકોને સોશિયલ મીડિયા પર સંપર્ક કરે છે અને લાલચમાં આવી લોકો એકના ડબલ કરવા માટે તૈયાર પણ થઈ જતાં હોય છે. શરૂઆતમાં લોકો પાસેથી નાની રકમ લઈ થોડા જ સમયમાં ડબલ પૈસા લોકોને આપે છે. જેના કારણે લોકોનો વિશ્વાસ સંપાદન કરી શકાય. ત્યારબાદ લોકોને વિશ્વાસમાં લઈ મોટી રકમની માગ કરે છે અને જ્યારે મોટી રકમ મળે ત્યારે નિયત સમયે કોઈ એવી જગ્યાએ લેવડ દેવડ કરવામાં આવે છે જ્યાં ગ્રામ્ય વિસ્તાર કે અવાવરુ જગ્યા હોય. નકલી નોટોનો વેપાર કરતા લોકો માત્ર વોટ્સએપ ચેટ દ્વારા જ વાત કરે છે.
સોશોયલ મીડિયા પર વોટ્સએપ પર મુન્ના નામના એકાઉન્ટ ધારક દ્વારા એક લાખના બે લાખ આપવાની જાહેરાત પોલીસને મળી છે. એલસીબી તથા એટીએસે તપાસ કરતાં મુન્ના દ્વારા સંચાલિત આ ગેંગ કચ્છની હોવાનું સામે આવ્યું છે. પોલીસે મુન્નાની ગેંગને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.