આમ આદમી પાર્ટી (AAP)ના બીજા સૌથી મોટા નેતા અને દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને પણ સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. મનીષ સિસોદિયાની જામીન અરજી સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને એસવીએન ભાટીની બેન્ચે સોમવારે આ નિર્ણય આપ્યો હતો. સ્પેશિયલ કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ સિસોદિયાએ સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કર્યો હતો, પરંતુ ત્યાં પણ તેઓ નિરાશ થયા હતા. જુલાઈમાં દાખલ કરાયેલી અરજી પર સુનાવણી પૂર્ણ કર્યા બાદ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. જો કે સીબીઆઈ અને ઈડીને 8 મહિનામાં ટ્રાયલ પૂર્ણ કરવા માટે કહેવામાં આવ્યું છે.
જસ્ટિસ સંજીવ ખન્ના અને એસવીએન ભાટીની ખંડપીઠે પોતાના આદેશમાં કહ્યું, ‘અમે કેટલાક પાસાઓ જોયા છે જે શંકાસ્પદ છે. પરંતુ રૂ. 338 કરોડ ટ્રાન્સફરનો મામલો હાલ પ્રસ્થાપિત થતો જણાય છે. તેથી અમે જામીન અરજી ફગાવી દીધી છે.
સુપ્રીમ કોર્ટે CBI અને ED બંને કેસમાં સિસોદિયાની અરજી ફગાવી દીધી હતી અને 6-8 મહિનામાં ટ્રાયલ પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો હતો. બેન્ચે કહ્યું કે જો આગામી ત્રણ મહિનામાં ટ્રાયલ ધીમી ગતિએ ચાલશે તો અરજદાર (સિસોદિયા) ફરીથી જામીન અરજી દાખલ કરી શકે છે. પીએમએલએ હેઠળ જામીનની જોગવાઈ કલમ 45 હેઠળ છે, જેમાં જામીન આપતી અદાલતે બે શરતોનું પાલન કરવું પડશે. પ્રથમ, અદાલતે સ્વીકારવું જોઈએ કે ઉપલબ્ધ આધારો જોઈને આરોપી દોષિત નથી અને બીજું, તે જામીનના સમયગાળા દરમિયાન કોઈ ગુનો કરશે નહીં.
સિસોદિયા પર આરોપ છે કે 2021માં એક્સાઇઝ મિનિસ્ટર રહીને તેમણે લિકર પોલિસીમાં કેટલાક ફેરફાર કર્યા હતા જેનાથી દારૂના વેપારીઓને ફાયદો થયો હતો. તપાસ એજન્સીઓનો દાવો છે કે દક્ષિણ ભારતના દારૂના વેપારીઓ (જેને દક્ષિણ જૂથ કહેવાય છે)ના નફાના માર્જિનમાં વધારો થયો હતો, જેના કારણે સરકારી તિજોરીને નુકસાન થયું હતું. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ નોંધાયેલા કેસમાં સીબીઆઈએ ‘આપ’ નેતા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી દીધી છે. EDનો દાવો છે કે લાભાર્થી કંપનીઓએ 100 કરોડ રૂપિયાની લાંચ આપી હતી અને સિસોદિયાએ પ્રોફિટ માર્જિન 5% થી વધારીને 12% કરી અપરાધને સરળ બનાવ્યો હતો. 338 કરોડના ટ્રાન્સફરનો મામલો EDની ફરિયાદનો ભાગ છે.