સામાન્ય બાબતથી શરૂ થયેલો ઝગડો માણસને કઈ હદ સુધી લઈ જઈ શકે છે તેની કલ્પના કરવી અઘરી છે. કારણ કે, કોઈ નાની બાબતને લઈ એક માણસ બીજા માણસની હત્યા કરી નાખે તે વિચિત્ર બાબત છે. પણ સાથે જ આવી ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે સુરતમાં (Surat) બાઈકને લઈને થયેલી સામાન્ય બોલાચાલીના કારણે મોબાઈલ એસેસરીઝના વેપારીની હત્યા કરવાના સમાચાર સામે આવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનના વતની અને હાલ સુરતમાં મોબાઈલ એસેસરીઝના ધંધા સાથે જોડાયેલા મુલાજી ચૌધરી પર્વત મોબાઈલ એસેસરીઝની દુકાન ધરાવે છે. 8 ઓકટોબરના રોજ તેઓ પીઠના ભાગે ચાકુ વાગેલી હાલતમાં મળી આવ્યા હતા. ત્યાંથી મુલાજીને સારવાર અર્થે સુરતની સિસ્મર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ થોડી જ સારવાર બાદ મુલાજીનું મૃત્યુ થયું હતું.
ઘટના અંગે ગાડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદને પગલે તપાસ કરતાં સુરત ક્રાઈમ બ્રાંચમાં (Surat Crime Branch) પીએસઆઈ તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ રાઠોડને બાતમી મળી હતી. બાતમીને આધારે તપાસ કરતાં પર્વત ગામ પાસેથી આરોપી રાકેશ ફકીરભાઈની ધરપકડ કરવામાં આવી હતી.
ઘટના સંદર્ભે ડીસીપી રૂપલ સોલંકીએ કહ્યું કે, ઘટના અંગેની તપાસ ચાલી રહી હતી તે દરમિયાન પીએસઆઈ રાઠોડને મળેલી બાતમીને આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની પૂછપરછ કરતાં આરોપી અને મૃતક વચ્ચે બાઈક અથડાવા બાબતે બોલાચાલી થઈ હતી. વેપારી મુલાજીએ આરોપીને ઠપકો આપ્યો હતો. જેના કારણે આ બાબતે અદાવત રાખી આરોપીએ મૃતકનો પીછો કર્યો હતો. આરોપીએ વેપારીને પાછળના ભાગે ચાકુના ઘા મારી દીધા હતા. છતાં પણ મૃતક બાઈક પર લોહીલુહાણ હાલતમાં સોસાયટી સુધી પહોંચ્યા હતા. પોલીસે સોસાયટીના સીસીટીવી ફૂટેજ તપાસતા સમગ્ર બાબત સામે આવી હતી. આરોપી સામે હત્યા મુજબનો ગુનો નોંધી પોલીસે (Surat Police) આગળની કાર્યવાહી હાથ ધરી છે.