આરાસુર શક્તિપીઠ અંબાજી ગુજરાતની સુપ્રસિદ્ધ યાત્રાધામ છે. હજારો લાખો ભકતો અંબાજી મંદિરે દર્શન કરવા આવે છે. એમાં પણ ખાસ કરીને જ્યારે ભાદરવી પૂનમ આવતી હોય ત્યારે અંબાજી આરાસુર મંદિર ભકતોથી ઉભરાઈ જાય છે. અંબાજી મંદિરની એક ખાસિયત તેના મોહનથાળ પ્રસાદની પણ રહેલી છે. મંદિરના મોહનથાળનો પ્રસાદ ભક્તોને ખૂબ જ પ્રિય છે ત્યારે અગાઉ આરાસુર ટ્રસ્ટ દ્વારા મોહનથાળના પ્રસાદને લઈ એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે, મોહનથાળની જગ્યાએ હવે ચીકકીની પ્રસાદી આપવામાં આવશે. આરાસુર ટ્રસ્ટે કરેલા આ નિર્ણયનો ભક્તો દ્વારા જબરજસ્ત વિરોધ કરવામાં આવ્યો હતો અને અંતે આરાસુર ટ્રસ્ટે પોતાનો નિર્ણય પરત લેવાની ફરજ પડી હતી. હવે જ્યારે મોહનથાળનો પ્રસાદ આપવામાં આવે છે ત્યારે મોહનથાળ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલું ઘી ભેળસેળયુક્ત હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, મોહનથાળ અંબાજી મંદિરનો પર્યાય બની ગયો છે. હાલ જ ભાદરવી પૂનમને લઈ લાખો લોકો અંબાજી મંદિરમાં દર્શન માટે આવ્યા હતા. દર્શને આવેલા લોકો અંબાજીમાંથી મોહનથાળનો પ્રસાદ અચૂક લેતી હોય છે. ભાદરવી પૂનમે દર્શન કરવા આવેલા ભક્તોને 31 લાખ પેકેટ મોહનથાળનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. પણ મોહનથાળ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલું ઘી શુદ્ધ હતું કે નહીં તે બાબતે ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો રિપોર્ટ આવતા ચોંકાવનારો ખુલાસો થયો છે, સેમ્પલ માટે લેવામાં આવેલું ઘી ભેળસેળયુક્ત હોવાનો રિપોર્ટ સાને આવ્યો છે. ઘીમાં ભેળસેળ હોવાનું સામે આવતા 3000 કિલો ઘી એટલે કે 180 ડબ્બા ઘી ડ્રગ એન્ડ ફૂડ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે.
વર્ષોથી મોહિની કેટરર્સ અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બનાવે છે. ડ્રગ એન્ડ ફૂડના રિપોર્ટને પગલે કલેક્ટર દ્વારા મોહિની કેટરરસને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે.