ગુજરાતમાં લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક થવાની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. થોડા સમય અગાઉ પણ ક્લાર્ક તથા તલાટીની સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરો લીક થઈ ચૂક્યા છે. હજારો ઉમેદવારો સરકારી નોકરી મેળવવા તનતોડ મહેનત કરે છે. પણ જ્યારે આવી પેપરલીકની ઘટનાઓ સામે આવે છે ત્યારે નોકરી વાંછુક ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળે છે. આવી જ એક ઘટના વલસાડ એન.એચ કોલેજમાં બીકોમનું પેપર ફૂટી જવાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વલસાડની શાહ એન એચ કોમર્સ કોલેજમાં બી.કોમની આંતરિક પરીક્ષા ચાલી રહી છે. બી.કોમનું સેમેસ્ટર-5નું પેપર શરૂ થાય તે પહેલા જ વિધાર્થીઓએ પેપર લીક થઈ જવાના આરોપસર હોબાળો મચાવ્યો હતો. એકાઉન્ટનું પેપર લીક થવાના સૂત્રોચ્ચાર સાથે વિધાર્થીઓ પ્રિન્સિપાલની ઓફિસે પહોંચ્યા હતા. જ્યાં વિધાર્થીઓએ આ પેપરલીક બાબતમાં કોલેજના શિક્ષકની સંડોવણી હોવાના આરોપ સાથે હોબાળો મચાવ્યો હતો. પેપરલીકને લઈ વિધાર્થી આલમમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો હતો. સાથે જ વિધાર્થી સંગઠન અને પેપરલીક પકડી પાડનાર સંગઠન વચ્ચે હુંસાતુંસી પણ થઈ હતી. ત્યારે શાહ એન એચ કોમર્સ કોલેજમાં પેપરલીકને લઈ કરવામાં આવેલા આરોપો કેટલા અંશે સત્યતા ધરાવે છે તે હવે તપાસનો વિષય છે.