પૂર્વ કચ્છના ધમાધમતા ગાંધીધામમાં ધોળા દિવસે છરીની અણીએ આંગડિયા પેઢીમાંથી રૃ.૧૦.૩૦ લાખની લૂંટનો બનાવ બનતા સનસનાટી મચી ગઈ છે. કાયદો અને વ્યવસૃથાની પરિસિૃથતિના રીતસરના ધજાગરા ઉડતા હોય તેવો તાલ ગાંધીધામમાં જોવા મળી રહ્યો છે. બે દિવસ પૂર્વે જ ભાજપના યુવા કાર્યકરના માતાની ધોળા દિવસે હત્યા થયા બાદ વધુ એક બનાવે ગાંધીધામમાં ચકચાર જગાવી છે. આ સિવાય ચોરીના નાના-મોટા રોજીંદા બનેલા બનાવોએ લોકોમાં રીતસરનો ભયનો માહોલ પેદા કર્યો છે. બેફામ બનેલા અસામાજિકો અને ગુનેગારો પોલીસને ખૂલ્લો પડકાર ફેંકી રહ્યા છે. જેની સામે પોલીસ તંત્ર વામણુ પુરવાર થઈ રહ્યું છે. આ ચકચારી ભર્યા બનાવને મળતી વિગતો મુજબ ગાંધીધામની ગાંધી માર્કેટના પહેલા માળે આવેલી બાબુલાલ આંગડીયા પેઢીમાં આજે બપોરે બે બુકાનીધારીઓ ત્રાટકયા હતા. પેઢીના સંચાલક બાબુલાલ પ્રજાપતિ ઉપર હુમલો કરી તેમને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી લૂંટ ચલાવવામાં આવી હતી. આંગડીયા પેઢીમાંથી આશરે સાડા દસ લાખ રૃપિયાની લૂંટ થઈ હોવાનું જાણવા મળ્યું છે. સીસીટીવી ફુટેજમાં તસ્કરો દેખાઈ આવ્યા છે. બનાવના પગલે એસપી,અંજાર ડીવાયએસપી વાઘેલા સહિતનો પોલીસ કાફલો ઘટના સૃથળે દોડી આવ્યો હતો અને સીસીટીવી ફુટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી હતી.